(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાને દિવસો થઈ ગયા છતાં હજુ સુધી ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ અંગે કોઈ હિલચાલ હાથ ધરવામાં આવી નથી. કમૂરતાને કારણે આ મુદ્દો અટવાઈ રહ્યો હોવાનું જણાવાય છે ત્યારે હવે જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં વિધાનસભાની બે દિવસ માટે બેઠક બોલાવી તેમાં નવા અધ્યક્ષની ચૂંટણીની સાથે સાથે ધારાસભ્યોની શપથવિધિ હાથ ધરવાનું ફાઈનલ થઈ રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાતમાં પાતળી બહુમતી સાથે બનેલી રૂપાણી સરકારની પ્રથમ વિધાનસભા બેઠક કમૂરતા બાદ જાન્યુઆરીના અંતમાં મળશે. બે દિવસ માટે મળનારી આ બેઠકમાં વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી અને ધારાસભ્યોની શપથવિધિ યોજાશે. આ બેઠક પૂર્વે ગુજરાત વિધાનસભાના પ્રોટેમ અધ્યક્ષ તરીકે સૌથી વધુ વયના ધારાસભ્યને નિમણૂક કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી વધુ ૭૩ વર્ષની વયના ધારાસભ્ય ઠક્કરબાપાનગર સીટ પરથી ભાજપના વલ્લભ કાકડિયા હોઈ તેમને પ્રોટેમ સ્વીકાર બનાવાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં વિધાનસભાની બે દિવસની ખાસ બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાયા બાદ તેઓને મળતાં પગારભથ્થાં અને લાભો શપથવિધિ બાદ મળતાં થશે. તેથી આ વહેલી બોલાવવાની લાગણીઓ પણ વ્યક્ત થઈ રહી છે. વિધાનસભાની આ બેઠકની બંધારણીય પ્રક્રિયા મુજબ ગુજરાતના રાજ્યપાલ દ્વારા સૌથી વધુ વયના ધારાસભ્યની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કરવામાં આવશે. જેની શપથવિધિ રાજ્યપાલ દ્વારા થશે. ત્યારબાદ વિધાનસભાની ખાસ બેઠક બોલાવવા માટેનું જાહેરનામું રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવશે. આ બે દિવસની બેઠકની કામગીરીમાં સૌ પ્રથમ પ્રોટેમ સ્પીકર દ્વારા વિધાનસભાના નવા સ્પીકરની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ બેઠકના બીજા દિવસે અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં અધ્યક્ષ તરીકેની ચૂંટણીમાં એક કરતાં વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે તો મતદાન કરવામાં આવશે. નહીં તો એક જ ફોર્મ ભરનારને બિનહરીફ જાહેર કરવામાં આવશે. તે પછી નવા ચૂંટાયેલા અધ્યક્ષ દ્વારા ધારાસભ્યોની શપથવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.