સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૧
અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન નાખનાર જાપાનની કંપનીનાં અધિકારીઓએ આજે વડોદરા રેલ્વે સ્ટેશનની મુલાકાત લઇ જમીન સંપાદન અધિકારી સાથે મિટીંગ કરી હતી.
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન દોડાવવાની કામગીરી જાપાનની કંપનીને સોંપવામાં આવી છે. વડાપ્રધાન મોદીનું બુલેટ ટ્રેન એક સ્વપ્નું હોઇ આ ટ્રેન વહેલી તકે દોડતી થઇ જાય તે માટે ખેડૂતો પાસેથી જમીનો પણ સંપાદન કરવાનું સરકારે શરૂ કર્યું છે. જમીનનું વળતર સરકાર આપી રહી હોવાનાં આક્ષેપ સાથે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યાં છે. તાજેતરમાં પણ એજન્સી અને ખેડૂતોની ગાંધીનગરગૃહમાં મળેલ બેઠક ભારે હોબાળાને કારણે રદ્દ કરવામાં આવી હતી. બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી પુર્ણ કરવા માટે અને તેની વિગતો મેળવવા માટે જાપાનની કંપનીનાં સાત થી આઠ જેટલાં અધિકારીઓ આજે વડોદરા રેલ્વે સ્ટેશને આવી પહોંચ્યા હતા. તેમણે વડોદરા રેલ્વે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. બાદમાં તેઓ નર્મદા ભવન ખાતે જમીન સંપાદન અધિકારી ડેપ્યુટી કલેકટર મહીપાલસિંહ ચુડાસમા સાથે બેઠક યોજી જમીન સંપાદન અંગેની અને તેને લગતી અન્ય વિગતો બાબતે ચર્ચા-વિચારણા કરી હોવાનું જાણવા મળ્યું છે.