અમરેલી, તા.૧ર
જાફરાબાદમાં બાઈક અને કાર સામસામી અથડાયા બાદ બે કોમ વચ્ચે અશાંતિનો માહોલ છવાતા બંને કોમના ટોળા વચ્ચે સામસામો પથ્થર મારો થયો પોલીસે ટોળાને વિખરાઈ જવા કહેતા પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મહિલા પીએસઆઇ સાથે પણ ટોળા દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. બંને કોમના ૫૯ લોકોની ધરપકડ, બંને કોમના ૬ જેટલા આગેવાનો ઉશ્કેરી કરી તોફાનો કરાવી નાસી છુટ્યા હતા.
આ બનાવનું કારણ એવું છે કે, એક કોમના યુવાનનું મોટર સાયકલ સાથે અનય કોમના ઈસમ તથા તેની સાથેના માણસોની મોટર કારની વચ્ચે અકસ્માતના કારણે બંને સમાજના આગેવાનોએ કાવત્રું રચી, સામાન્ય પ્રજાને ઉશ્કેરી ટોળા ભેગા કરતાં આ ટોળાઓ સામ-સામે આવી ગયેલ અને એક બીજાની ધાર્મિક લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચારો કરી, એક બીજાને ગાળો આપી, સામ-સામે પથ્થરમારો કર્યો હતો.
ઉપરોક્ત બનાવની પોલીસને જાણ થતાં જાફરાબાદ ટાઉન પીએસઆઇ એચ.એચ. સેગલીયા તથા અન્ય પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયેલ અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન કરેલ અને પથ્થર મારો કરી રહેલ આશરે ૨૦૦૦ માણસોના ટોળાને વિખેરાઇ જવા આદેશ આપેલ પરંતુ ટોળાએ વિખેરાઇ જવાને બદલે પોલીસ ઉપર પણ પથ્થરમારો શરૂ કરેલ અને મહિલા પીએસઆઇ સેગલીયાને અપમાનિત કરી, બિભત્સ વર્તન કરવા લાગેલ. અને પથ્થરમારો કરીને પીએસઆઇ સેગલીયાનું હેલમેટ તોડી નાંખેલ અને ટોળાએ પોલીસ હેડ કોન્સ. પી.ડી.કલસરીયાનું પાકીટ પણ ઝુંટવી લીધું હતું.
આ દરમ્યાનમાં જાફરાબાદ પોલીસ ઇન્સ.એલ.કે.જેઠવા તથા આજુબાજુના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પોત પોતાના પોલીસ સ્ટાફ સાથે બનાવ સ્થળે પહોંચી ગયેલ અને પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયત્ન કરતાં ટોળાએ તેમના ઉપર પણ પથ્થરમારો કરી સરકારી વાહનોને નુકશાન કરેલ અને પોલીસ ઇન્સ.જેઠવાને પગે ગંભીર ઇજા કરેલ અને બીટ હેડ કોન્સ. કલસરીયાને ઇજા કરી, યુનિફોર્મનો શર્ટ ફાડી નાંખેલ. અને બાદમાં એકઝીક્યુટીમ મેજીસ્ટ્રેટની પરવાનગી મેળવી, હળવો બળ પ્રયોગ કરી, ટોળું વિખેરી નાંખેલ અને પથ્થરમારો કરી રહેલ કુલ ૫૯ માણસોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને બંને કોમના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરી, ટોળાને ઉશ્કેરણી કરી રહેલ ૬ જેટલા આગેવાનો નાસી ગયા હતાં.
ઉપરોક્ત કોમી અશાંતિના બનાવને પગલે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય એ તાત્કાલીક બનાવ સ્થળે દોડી જઇ, ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધેલ હતો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં લીધેલ હતી.
વાહન અકસ્માત જેવા સામાન્ય બનાવમાં બંને પક્ષના આગેવાનોએ લોકોને ઉશ્કેરણી કરી, લોકોમાં કોમી વૈમનસ્ય પેદા કરતા આશરે ૨૦૦૦ જેટલા માણસો આમને સામને થઇ એકબીજા ઉપર પથ્થરમારો કરતાં જાફરાબાદ ટાઉન પીએસઆઇ એચ.એચ. સેગલીયાએ પકડાયેલ ૫૯ માણસો તથા ઉશ્કેરણી કરતાં બંને પક્ષના ૬ જેટલા આગેવાનો તથા અન્ય અજાણ્યા ૨૦૦૦ માણસોના ટોળા વિરૂદ્ધ પોતે જ ફરિયાદ આપી ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭, ૩૫૩, ૩૫૪, ૩૩૨, ૩૩૩, ૧૮૬, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૩૩૭, ૩૩૮, ૧૪૩, ૧૪૫, ૧૫૩(એ), ૧૧૭, ૧૧૪, ૧૪૯, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૫૦૪, ૫૦૬(ર), ૩૪૧, ૫૦૯, ૧૨૦(બી), ૩૪, ૧૮૮ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટની કલમ ૩, ૪ મુજબ ગુન્હો નોંધેલ હતો.
પકડાયેલ ૫૯ ઇસમોને કોર્ટમાં રજૂ કરી, આ બનાવમાં સંડોવાયેલ અજાણ્યા ૨૦૦૦ માણસોના ટોળામાં અન્ય કોણ કોણ ઇસમો હતા ? આ બનાવના મુખ્ય સુત્રધાર કોણ છે ? તે અંગે પૂછપરછ કરવા કોર્ટમાંથી રીમાન્ડ મેળવવા તેમજ નાસી ગયેલ બંને કોમના ઉશ્કેરણી કરનાર આગેવાનોને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે….