અમરેલી, તા.ર
અમરેલી જિલ્લામાં વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ થયેલ છે. જાફરાબાદ બંદરે બે નંબરના સિગ્નલ સાથે દરિયો ખેડવા ગયેલ ર૦૦ જેટલી બોટો પરત બોલાવી દરિયાકાંઠે લાંગરી દેવામાં આવેલ હતી. દરિયાકાંઠે ૭૦૦ જેટલી બોટોની કતારો લાગી ગયેલ છે. દરિયામાં કરંટ સાથે બે-બે મીટર ઊંચા મોઝા ઉછળી રહેલ છે. એનડીઆરએફની રપ સભ્યોની ટીમ જાફરાબાદ પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ત્રાટકવાની દહેશત સાથે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગવું આયોજન કરવામાં આવેલ હતું. જિલ્લાના દરિયાકાંઠાના જાફરાબાદ તાલુકાના ૧૦ ગામો અને રાજુલા તાલુકાના ૧૩ ગામો સહિત કુલ ર૩ ગામોને એલર્ટ કરવામાં આવેલ હતા. હવામાન ખાતાની આગાહીના પગલે જાફરાબાદના ખારવા, કોળી અને મુસ્લિમ સમાજની ર૦૦ જેટલી બોટો માછીમારી માટે ગયેલ હતી જેમને દરિયાકાંઠે પરત બોલાવી લેવામાં આવેલ હતી. કોરોના મહામારીના કારણે લગભગ ૭૦ ટકા બોટો દરિયાકાંઠે જ લાંગરેલી પડી છે. હાલ ૭૦૦ જેટલી બોટોના દરિયાકાંઠે થપ્પા લાગી ગયેલ હતા. જાફરાબાદ દરિયા કિનારે સુરક્ષા જવાનો હાલ ખડેપગે રાખવામાં આવેલ છે. પૂર્વ સંસદિય સચિવ હિરાભાઈ સોલંકીએ જાફરાબાદ પહોંચી માછીમારો સાથે બેઠક યોજવામાં આવેલ હતી. જેમાં માછીમારોએ દરિયો ખેડવા ન જવા સમજાવવામાં આવેલ હતા.