જામજોધપુર, તા.રપ
ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુક્સાનનું વળતર સહાય ચૂકવવા માટેની જાહેરાત કરી છે. તેમાં જામજધોપુર તાલુકાના ખેડૂતોને સહાય ચૂકવણીમાં રાજ્ય સરકારની ભેદભાવભરી નીતિના કારણે ભારે અન્યાય થયો હોવાની રજૂઆત જામનગર જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્ય હેમતભાઈ ખવાએ રાજ્યના કૃષિમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે તા. ૧પ.૧૦.ર૦૧૯ થી તા. ર૦.૧૧.ર૦૧૯ દરમિયાન વરસેલા વરસાદના કારણે ખેડૂતોને સરકારે સહાય આપવાનું જાહેર કર્યું છે. જેમાં રપ મી.મી.થી વધુ વરસાદ પડ્યો હોય તેવના તાલુકાના ખેડુતોને કે જેના પાકને ૩૩ ટકા કે વધારે નુક્સાન થયું હોય તેવા ખેડૂતોને એસ.ડી.આર.એફ.ની જોગવાઈમાં વધુને વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૃા. ૬૮૦૦ લેખે એક ખેડૂતને મહત્તમ રૃા. ૧૩,૬૦૦ ચૂકવવાનું ઠરાવ્યું છે.
જામજોધપુર તાલુકાના ખેડૂતોને ૩૩ ટકા કરતા વધારે નુક્સાન થયું હોવા છતાં એકતરફી નિર્ણય કરીને સરકારે દરેક ખેડૂતને માત્ર રૂા.૪૦૦૦ જ ચૂકવવાનું જાહેર કર્યું છે. જામજોધપુર તાલુકાના પ૬ ગામોના ખેડૂતોને ૩૩ ટકા કરતા વધારે નુક્સાન થયું હોય, આ તમામ ખેડૂતોને રૃા. ૧૩,૬૦૦ મુજબ સહાય ચૂકવવા તેમણે માંગણી કરી છે. જો આ અન્યાય દૂર કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન શરૃ કરવામાં આવશે તેવી ચિમકી પણ આપી છે.