જામજોધપુર,તા.૨૦
જામજોધપુરની એક તરૃણીનું ત્રણ વર્ષ પહેલાં પાળીયાદના શખ્સે અપહરણ કર્યા પછી તેણીને રૃા. નેવું હજારમાં વેચી નાખવામાં આવી હોવાની કબુલાત મળી છે. પોલીસે તેને પત્ની તરીકે સાથે રાખતા શખ્સ સહિત ચારની ધરપકડ કરી છે.
જામજોધપુરમાં રહેતા એક પરિવારની સગીર પુત્રીનું વર્ષ ૨૦૧૬માં બોટાદ જિલ્લાના પારીયાદ ગામનો પ્રવિણ શામજી દુદાગીયા નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો. ઉપરોક્ત આરોપીની બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડને મળતા પ્રવિણની અટકાયત કરી તેનો કબજો જામજોધપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ શખ્સની પોલીસે પુછપરછ કરતા તેણે તે તરૃણીએ વાંકાનેરના નવઘણ દેવરાજ નામના શખ્સને રૂા.૯૦,૦૦૦માં વેચી નાખ્યાની કબુલાત આપી હતી. જેના પગલે ચોંકી ગયેલી પોલીસે વાંકાનેર દોડી જઈ નવઘણ તેમજ રાજકોટના વીરજી દાનાભાઈ અને વાંકાનેરના શેખરડી ગામના સુરેશ ચનાભાઈ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી પુછપરછ કરાતા આ તરૃણી હાલમાં એક સંતાનની માતા બની ગઈ હોવાનું અને નવઘણ તેને પોતાની સાથે રાખતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ચારેય શખ્સોની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.