જામનગર, તા.રર
હાલાર પંથકમાં બે દિવસથી મેઘાડંબર જળવાતા હળવા ઝાપટાંથી અઢી ઈંચ જેટલો વરસાદ થયો હતો. જામનગર જિલ્લાના જામજોધપુરમાં અઢી ઈંચ તો કાલાવડમાં પોણાબે ઈં જ્યારે ભાણવડમાં દોઢ ઈંચ, દ્વારકામાં પોણાબે ઈંચ વરસાદ થતા લોકો, ખેડૂતોમાં હરખ જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં હળવા ઝાપટાંથી અઢી ઈંચ જેટલો વરસાદ થયો હતો. સૌથી વધુ જામજોધપુરમાં અઢી ઈંચ વરસાદ થયો હતો તો કાલાવડમાં પણ પોણાબે ઈંચ વરસાદ વરસી જતાં ખેડૂતોના મોઢા મલકાયા છે.
તો ગઈકાલે રવિવારે કાલાવડ પંથકમાં ૪૧ મી.મી. એટલે કે પોણાબે ઈંચ મેઘમહેર થતાં બંને તાલુકામાં સારા વરસાદથી લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ ઉપરાંત જામનગરમાં ગત રાત્રે ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો હતો.
જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ વરસાદમાં જામજોધપુરમાં ૬ર મી.મી., કાલાવડમાં ૪૬ મી.મી., ધ્રોળમાં ૬ મી.મી., જામનગરમાં ૪ મી.મી. અને જોડિયામાં બે મી.મી. વરસાદ નોંધાયો છે.
તો આ બે દિવસ દરમિયાન તાલુકા મથકોમાં ગાજવીજ સાથે જામવાડીમાં ૪૮ મી.મી., વાંસજાળિયામાં ૩૭ મી.મી., પરડવામાં ર૯ મી.મી., ભણગોરમાં ર૦ મી.મી. અને ધ્રાફામાં ૧પ મી.મી. વરસાદ થયો છે.
જ્યારે ડેમ સાઈટ ઉપર પણ આ બે દિવસમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ઊમિયા સાગરમાં ૯૦ મી.મી., ફૂલઝર (કો.બા.)માં ૬૦ મી.મી., ડાયમીણસારમાં પ૦ મી.મી., ઊંડમાં ૩પ અને બાલંભડીમાં ર૦ મી.મી. વરસાદ થયો હતો.
હજુ પણ વાતાવરણમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી પાંચ દિવસ સુધી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગઈકાલે ખંભાળિયા પંથકના ભાડથર, આંબરડી, ઠાકર શેરડી, શેઢા ભાડથરી, ગોલણ શેરડી સહિતના કેટલાક ગામોમાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હતો.
દ્વારકા જિલ્લામાં પણ મેઘાડંબર વચ્ચે બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તો કેશોદમાં અડધો ઈંચ જ્યારે ખંભાળિયા શહેરમાં ઝાપટાં વરસ્યા હતાં.
વરસાદના સામાન્ય છાંટામાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
જામનગરમાં ગઈકાલે રાત્રે ૩થી ૪ મીમી વરસાદ થયો હતો. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થાનિક વીજ કચેરીમાં લોકોના ટોળા રજૂઆત માટે પહોંચી ગયા હતા. અને બે-ચાર છાંટા વરસાદમાં જ વીજળી ગુલ થવા સામે વીજ કંપનીની પ્રિ-મોનસુન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
જામનગરમાં ગત રાત્રે હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું. પરંતુ વરસાદના ચાર છાંટા પડતા જ શહેરના સાધના કોલોની માર્ગ, દિ.પ્લોટ, પટેલ કોલોની, રામેશ્વરનગર, પાણાખાણ સહિતના ઉપરાંત નગરસીમ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરવા માટે અનેક વખત ફોન કર્યા હતા. પરંતુ સતત ફોન વ્યસ્ત મળતા સંપર્ક થઈ શકતો ન હતો. આખરે લોકોમાં રોષ ફાટી નીકળતા એક ટોળું વીજ કંપનીથી પેટા કચેરીએ પહોંચ્યું હતું અને ઉગ્ર રજૂઆતો કરી હતી.
બીજી તરફ કોર્પોરેટર આનંદ રાઠોડ પણ દોડી ગયા હતા અને તેમણે તુરંત જ કામગીરી હાથ ધરી વીજ પૂરવઠો પૂર્વવત કરવા રજુઆતો કરી હતી. વીજ કંપની દ્વારા લાખો રૃપિયાના ખર્ચે પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આમ છતા ચાર વરસાદી છાંટા પડતા જ ૩ થી ૪ વીજ ફિડરો બંધ થતા અનેક વિસ્તારોમાં અંધારા છવાઈ ગયા હતા. આથી વીજ કંપનીની આ લાખેણી કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા હતા.