જામજોધપુર, તા.૨૯
જામજોધપુરના ગીંગણી રોડ પર આવેલા કારખાનામાં ગઈરાત્રે બારીમાંથી પ્રવેશેલા તસ્કરે અંદરથી રૂા.૧૯ લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી પોલીસને પડકાર ફેંકયો છે. આ તસ્કરોએ બાજુમાં આવેલી બે શાળા સહિતના ત્રણ અન્ય સ્થળોએ પણ હાથફેરો કર્યો છે. આ બનાવની તપાસ માટે ખુદ એસપી તથા એલસીબીનો કાફલો જામજોધપુર ધસી ગયો છે. જામજોધપુરના ગીંગણી રોડ પર આવેલા અમર સીડ્‌ઝ કારખાનાના પ્રોસેસિંગ યુનિટમાં ગઈકાલે રાત્રે કોઈ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ કારખાનાના આ યુનિટમાં પ્રવેશવા માટે તસ્કરે યોગ્ય જગ્યાની શોધ કર્યા પછી તે યુનિટની કચેરીની બારી પર પસંદગી ઉતારી હતી. આ બારીને ખોલી નાખી અંદર ઘૂસ્યા પછી તસ્કરે ખાંખાખોળા કરી ત્યાં પડેલા ટેબલનું ખાનું ખોલી નાખ્યું હતું જેમાંથી તસ્કરને રૂા.૧૯ લાખ ૪૦ હજાર ૯૦૦ રોકડા સાંપડયા હતા. આ રકમ ઉઠાવી બારીમાંથી જ તસ્કર બહાર નીકળી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉપરોક્ત ચોરીની આજે સવારે જ્યારે કારખાનાના માલિક આવ્યા ત્યારે તેઓને જાણ થતા તુરંત પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા પોલીસ કાફલાએ અમર સીડ્‌ઝમાં તપાસ શરૃ કરી તે દરમ્યાન બાજુમાં જ આવેલી ત્રણ શાળાઓમાં પણ હાથફેરો થયાનું બહાર આવ્યું છે.આ કારખાનાની બાજુમાં આવેલી એન.પી. સીણોજિયા નામની શાળાની કચેરીમાં પણ ગઈરાત્રે કોઈ તસ્કરે હાથફેરો કરી રૃા.૯૬૩૦ની રોકડ ઉઠાવી છે. જ્યારે તેની બાજુમાં આવેલી મધર ટેરેસા સ્કૂલમાંથી રૃા.૬ હજાર રોકડા ચોરાઈ ગયા છે અને એવીડી નામની કચેરીમાંથી પણ રૂા.૨૭૦૦ની ચોરી કરી તસ્કરો અંધારામાં ઓગળી ગયા છે. એક સાથે ચાર સ્થળોએ ચોરી થયાની જાણ થતા જામજોધપુર પોલીસે જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળને વાકેફ કરતા એસપી તથા એલસીબીનો કાફલો જામજોધપુર ધસી ગયો છે. પોલીસે ચારેય સ્થળોએ તપાસ શરૂ કર્યા પછી સીસીટીવીના કેટલાક ફૂટેજ નિહાળી તસ્કરની ઓળખ મેળવી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.