જામનગર, તા.૧૧
જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. ત્યાર પછી રાત્રીના સમયે જામનગર જિલ્લાના જામજોધપુર, કાલાવડ, ધ્રોલ અને લાલપુરમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને માવઠું થવાના કારણે પાણીના રેલા ઉતર્યા હતા. જો કે, મોડી રાત્રે વરસાદ રોકાઈ ગયો હતો. જામનગર શહેરમાં પણ સામાન્ય છાંટા પડ્યા હતા. પરંતુ આજે સવારથી વાદળો વિખેરાઈ જતાં સમગ્ર જિલ્લામાં ઉઘાડ નીકળ્યો છે. જેથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. મોડી રાત્રે થયેલા માવઠાના કારણે એક માત્ર જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો અમુક જથ્થો ભીંજાયો છે. જ્યારે બાકીના તમામ માર્કેટિંગ યાર્ડમાં જુદી-જુદી જણસને સલામત સ્થળે રાખેલી હોવાથી બચાવ થયો છે. જામજોધપુર, કાલાવડ ગ્રામ્ય પંથકના ખેડૂતોને માવઠાથી સામાન્ય નુકસાની થઈ છે.
જામજોધપુર પંથકમાં વરસાદની વધુ અસર જોવા મળી હતી અને અડધો કલાક સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા. જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અમુક જથ્થો બહાર પડ્યો હતો જે ભીનો થયો હતો. બાકીની આવક બંધ રખાઈ હોવાથી નુકસાની અટકી હતી. જામજોધપુર ઉપરાંત કાલાવડ, લાલપુર અને ધ્રોલ પંથકમાં પણ કમોસમી વરસાદ થયો હતો. ગઈકાલે પડેલા માવઠાના કારણે કાલાવડ, ધ્રોલ, લાલપુર અને જામનગરના માર્કેટિંગ યાર્ડમાં રાખેલી જણાસોને કોઈપણ પ્રકારની નુકસાની થઈ ન હતી. પરંતુ જામજોધપુર અને કાલાવડ વિસ્તારના કેટલાક ખેડૂતોના ઉતારેલા પાકને સામાન્ય નુકસાની થઈ છે.