જામનગર, તા. ર૬
કોરોના મહામારીમાં ગુજરાતનું અમદાવાદ હોટસ્પોટ બન્યું છે અને ત્યાં કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે જામનગરથી જી.જી. હોસ્પિટલના ડોક્ટરોને ડેપ્યુટેશન પર સેવા લેવાનો સીલસીલો ચાલતો હતો.
આ પ્રક્રિયામાં જામનગરના જ જુનિયર ડોક્ટરોને ફરીથી રોટેશનમાં ફરજ પર અમદાવાદ મોકલવાની કાર્યવાહી સામે તો વિરોધ થયો જ હતો. સાથે સાથે જામનગરની જી.જી. હોસ્પિટલ તથા છેલ્લા દસ દિવસથી જામનગરની કોવિડ હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાના કારણે સમગ્ર શહેરમાંથી વિવિધ સંસ્થાઓમાંથી આ પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ ઊઠવા પામ્યો હતો. જામનગરના ડોક્ટરોને નહીં મોકલવા સરકારનું ધ્યાન દોર્યું હતું અને વિભાગીય વડાઓ તથા ડીનના નામ મોકલવાની કામગીરી પ્રત્યે પણ પ્રશ્નો ઊઠવા પામ્યા હતાં.
અંતે આ તમમ બાબતોનો આજે ઉકેલ આવ્યો છે. જામનગરની મેડિકલ કોલેજના ડીનના જણાવ્યા પ્રમાણે હાલ જામનગરના જે બાર ડોક્ટરો અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે તેમનો ડેપ્યુટેશનનો પિરિયડ પૂરો થવાથી તેઓ આવતીકાલે જામનગર પરત આવી રહ્યા છે અને તેની સામે હવે જામનગરમાંથી કોઈ ડોક્ટરને અમદાવાદ મોકલવામાં આવશે નહીં.