(સંવાદદાતા દ્વારા) જામનગર તા. ૩૦
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા લાકડા તથા પ્લાસ્ટીકના ભંગારના એક ગોડાઉનમાં આજે સવારે કોઈ કારણથી આગ લાગ્યા પછી જોતજોતામાં આગ વિકરાળ બની હતી. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓએ અગ્નિશમનની કાર્યવાહી આરંભી હતી. જેના પગલે બપોર સુધીમાં આગ અંશતઃ રીતે કાબુમાં આવી હતી. આગના કારણે થયેલી નુકસાનીનો અંદાજ મળ્યો નથી.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા આશાપુરા ટ્રેડર્સ નામના લાકડાના ગોડાઉનમાં આજે સવારે કોઈ કારણથી આગનું છમકલું થયા પછી જોતજોતામાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં પડેલા લાકડાના જથ્થા તેમજ ભંગારના પ્લાસ્ટીકના જથ્થામાં આગે લબકારા લેવાનું શરૃ થતા આશાપુરા ટ્રેડર્સના માલિક ચંદુભાઈ લખપતિએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
જાણના પગલે ફાયરબ્રિગેડનો સ્ટાફ પાણીની ચાર ગાડી સાથે દોડી ગયો હતો. ધૂમાડાના ગોટેગોટા વચ્ચે ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવતા એકાદ વાગ્યે આગ કાબુમાં આવવા પામી હતી. તેમ છતાં ભંગારના જથ્થા નીચે ભભૂકતા અંગારાઓ દૃષ્ટિગોચર થયા હતા. જેને બૂઝાવી નાખવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. ક્યાં કારણથી આગ લાગી? તે હજી જાણી શકાયું નથી. આગના કારણે થયેલી નુકસાનીનો પણ અંદાજ મળ્યો નથી.