જામનગર, તા.૧૨
જામનગરના ઈન્દિરા માર્ગ પર ફાયરીંગ થયાની વહેતી થયેલી અફવા વચ્ચે પોલીસ દોડી હતી. જેની તપાસ કરાયા પછી એક યુવાનને બે શખ્સે નશાની હાલતમાં આવી ગાળો ભાંડી એરગન, છરી બતાવી ધમકી આપ્યાની વિગત પ્રકાશમાં આવી હતી. પોલીસે બંને શખ્સની અટકાયત કરી છે.
જામનગરના ઈન્દિરા માર્ગ ૫ર આવેલી ફોરેસ્ટ ઓફિસ સામેના ગંજીવાડા વિસ્તારમાં ગઈરાત્રે ફાયરિંગ થયું હોવાની અફવા વહેતી થતા લોકોમાં ઉત્સુકતા જાગી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તે દરમ્યાન ફોરેસ્ટ ઓફિસ પાસે મહેશ્વરી નગરમાં રહેતા કૃણાલ ડાહ્યાભાઈ મકવાણા નામના મહેશ્વરી મેઘવાર યુવાને પિયુષ પરમાર તથા કરણ ઝાલા નામના બે શખ્સ સામે સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, કૃણાલને જૂના મનદુઃખના કારણે પિયુષે કોલ કરી ગાળો ભાંડી અને ધમકી આપી હતી. તે પછી કરણ ઝાલા નામનો શખ્સ એરગન લઈને આવ્યો હતો. તેણે અસલી રિવોલ્વર જેવી લાગતી એરગન કૃણાલ સામે તાકી ટ્રીગર દબાવતા ધડાકો થયો હતો. તેના કારણે કૃણાલ ડરી ગયો હતો ત્યારે પિયુષે છરી બતાવી કૃણાલની પાછળ દોટ મૂકી હતી. પોલીસે મોડીરાત્રે કૃણાલની ફરિયાદ પરથી આઈપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૭, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધ્યો છે.
ફાયરીંગ થયાની વહેતી થયેલી અફવા વચ્ચે વધુમાં જાણવા મળ્યા મુજબ કૃણાલને ઉપરોક્ત બન્ને શખ્સોએ સાંજના સમયે ગંજીવાડા વિસ્તારમાં રોકી ગાળો ભાંડી રિવોલ્વર જેવી દેખાતી એરગન બતાવી હતી. તેથી કેટલાક વ્યક્તિઓ જિલ્લા પોલીસવડાની કચેરીએ રજુઆત માટે દોડી ગયા હતાં જ્યાં તેઓએ પોતાના વિસ્તારમાં ફાયરીંગ થયું હોવાની વાત કરતા એસપીએ તપાસ કરવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સૂચના આપતા પોલીસ કાફલો તે વિસ્તારમાં દોડી ગયો હતો જ્યાં તપાસ કરાયા પછી રિવોલ્વર નહીં એર ગન તાકી ધમકી અપાયાની વિગત બહાર આવી હતી.
ઉપરોક્ત બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેઓના કબજામાંંથી એરગન પણ ઝબ્બે લેવામાં આવી છે.