જામનગર, તા.૧૬
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાં રહેતા અને દરેડ જીઆઈડીસી ફેસ-થ્રીમાં કોમ્પેક બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામનું બ્રાસપાર્ટનું કારખાનું તથા ભઠ્ઠી ધરાવતા રસિકભાઈ રાઘવજીભાઈ કપુરિયા નામના આસામી પાસેથી જામનગરના જ પ્રવિણ જાદવજી રામાણી અને અજય કનકભાઈ નકુમ નામના બે આસામીએ પિત્તળની નિપલ તેમજ પિત્તળના સળિયાની ખરીદી કરી હતી.
ગયા ઓગષ્ટ મહિનામાં જુદા જુદા સમયે પાંચ વખત રસિકભાઈ પાસેથી ઉપરોક્ત બંને આસામીઓએ રૂા.૧૪,૫૫,૪૫૨ની કિંમતનો માલસામાન ખરીદ્યો હતો જેની ચૂકવણી કરવાની બાકી હતી, માલની ડિલિવરી આપ્યા પછી દિવાળી આવતી હોય રસિકભાઈએ બાકી પેમેન્ટ લેવા માટે વારંવાર ઉઘરાણી કરી હોવા છતાં પ્રવિણ અને અજય નકુમ પૈસા આપતા ન હતા.
આ બંને આસામીઓએ કારખાનેદારને પૈસા ચૂકવવાના બદલે તેઓની મિલકત પણ પડાવી લેવા માટે કારસો રચતા રસિકભાઈએ ગઈકાલે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રવિણ તથા અજય સામે વિશ્વાસઘાત, ઠગાઈ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.