જામનગર, તા.૩
જામનગરના સુભાષ શાક માર્કેટ પાસે આવેલા ભોઈવાડા પાછળના કોળીવાડમાં ગુરૂવારે રાત્રે હોલિકા દહન પછી ત્યાંથી પૂરઝડપે નીકળેલા એક યુવાનને ટપારવામાં આવતા ડખો સર્જાયો હતો. ભોઈ સમાજના છત્રીસ જેટલા વ્યક્તિઓએ હથિયારો સાથે ધસી આવી કોળીવાડમાં ધમાલ મચાવી કેટલાક વાહનો તેમજ મકાનોને આગચંપી કરી હતી. આ વેળાએ એક પ્રૌઢને ગંભીર ઈજા થઈ છે. જ્યારે અન્ય ત્રણેક યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધ્યો છે. જ્યારે ભોઈ જ્ઞાતિના એક યુવાન પર હુમલો કરનાર છએક શખ્સોને ટપારવા ગયેલા એક પ્રૌઢ પર પણ જીવલેણ હુમલો થયો છે, વચ્ચે પડનાર એક મહિલાને આંગળીમાં ફ્રેકચર થયું છે. બનાવની ગંભીરતા પારખી ધસી આવેલી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં તે વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગુરૂવારની રાત્રે સાડા અગિયારેક વાગ્યે જ્યારે કોળી સમાજના લોકો સંગીતના સથવારે રમતા હતા ત્યારે ત્યાંથી કોઈના ઢાળિયે રહેતો તેજસ સુરેશભાઈ જેઠવા ઉર્ફે તેજલો ભોઈ નામનો શખ્સ પૂરઝડપે મોટરસાયકલ લઈને પસાર થયો હતો. આ વેળાએ સ્થળ પર હાજર અશોકભાઈ પીપરિયાએ વાહન ધીમુંં ચલાવવાનું કહેતા ડખો થયો હતો.
ત્યાર પછી તેજલાની સાથે જયકિશન સુરેશભાઈ ભોઈ, સુરેશ ઉર્ફે મિસ્ત્રી ભોઈ, તેમજ વોર્ડ નં.૧૦ના નગરસેવક હસમુખ જેઠવા સહિતના છત્રીસ અને અન્ય કેટલાક અજાણ્યા શખ્સોએ છરી, પાઈપ, લોખંડના કોયતા, બેઝબોલના ધોકા, ધારિયા સહિતના હથિયારો ધારણ કરી કોળીવાડમાં હુમલો કર્યો હતો.
અચાનક થયેલા હુમલાથી ચોકમાં રંગે રમી રહેલા યુવાનો અને આબાલ વૃદ્ધોમાં ભારે નાસભાગ મચી હતી, હથિયારો સાથે ધસી આવેલા ઉપરોક્ત શખ્સોએ ત્યાં તોડફોડ શરૂ કરી ભારે ખાનાખરાબી સર્જી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ બહાર પડેલા એક્ટિવા, હીરો મોટરસાયકલ સહિતના વાહનોને આગ ચાંપવાની સાથે મકાનો પણ સળગાવવાનું શરૂ કર્યું હતું અને તેની સાથે સાથે કેટલાક બનાવોમાં ઘૂસી અંદર પડેલી ઘરવખરીને બહાર કાઢી સળગાવી નાખી હતી તેમજ ઘરમાં પણ તોડફોડ કરી હતી.
આ હુમલાથી અશોકભાઈ પીપરિયાને ગળામાં કોઈ હથિયાર વાગી જતાં અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેઓને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક યુવાનોને ઈજા થતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા સિટી-એના પીઆઈ કે.આર. સકસેના તેમજ સિટી-બી ડિવિઝન, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડયો હતો. પીઆઈ સકસેનાએ ગંભીર ઈજા પામેલા અશોકભાઈના પુત્ર વિશાલની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.
આ ફરિયાદની સામે ભોઈવાડા નજીકના ધુંવાવના નાકા પાસે રહેતા સુરેશ શાંતિલાલ જેઠવાએ વળતી ફરિયાદ નોંધાવી છે.