જામનગર, તા.૧૮
જામનગરમાં કરોડો રૃપિયાના જમીનના પ્લોટનો સોદો કરાવનાર એક પ્રોફેસરના બંગલામાં પાર્ક મોટર પર કુખ્યાત ભૂ-માફીયા જયેશ પટેલ અને એક કોર્પોરેટરના કહેવાથી ફાયરીંગ કરાયાના નોંધાયેલા ગુન્હામાં તપાસનીસ ટુકડીએ કોર્પોરેટરની ધરપકડ કરી ત્રણ દિવસના રીમાન્ડ લીધા પછી બે કુખ્યાત શખ્સની અમદાવાદમાંથી એટીએસના સહયોગથી ધરપકડ કરાઈ છે. ઉપરાંત બાકીના ચાર આરોપીઓને આજે જામનગર શહેરમાંથી ધરપકડ કરી લેવાઈ છે. બે શખ્સોને અદાલતે બે દિ’ના રીમાન્ડ પર સોંપ્યા છે. જામનગરના ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતા પ્રો. પરસોત્તમભાઈ આર. રાજાણીએ થોડા દિવસ પહેલાં રણજીતસાગર રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ક સ્થિત કેટલાક પ્લોટનો સોદો કરાવ્યો હતો. તે સોદો કેન્સલ કરવા અથવા ડો. રાજાણીને મળવા આવેલા નગરસેવક અતુલ ભંડેરીને રૃા. એક કરોડ આપી દેવા કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલે ફોન પર ધમકી આપ્યા પછી મોડી રાત્ર ડો. રાજાણીના બંગલામાં પાર્ક કરીને રાખવામાં આવેલી મોટર પર ફાયરીંગ થયું હતું જેની બીજા દિવસે પોલીસને જાણ કરાતા એસપી શરદ સિંઘલ ખુદ દોડી ગયા હતાં. ત્યાં રહેલા સીસીટીવીના ફૂટેજ ચકાસાતા ત્રણ બાઈકમાં આવેલા છ શખ્સો પૈકીના એકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યા પછી ડો. રાજાણીની મોટર પર એક રાઉન્ડ છોડ્યો હતો અને તે બનાવનું એક શખ્સે મોબાઈલમાં રેકોર્ડીંગ કર્યું હતું તેવું દેખાઈ આવતા પોલીસે ડો. રાજાણીની ફરિયાદ પરથી જયેશ પટેલ તથા અતુલ ભંડેરી સામે ગુન્હો નોંધ્યો હતો.
એક ટુકડીના ઈન્ચાર્જ એવા એસઓજી પીઆઈ કે.એલ. ગાધેને બાતમી મળી હતી કે ફાયરીંગમાં સંડોવાયેલા જામનગરના બે કુખ્યાત શખ્સ ઈકબાલ ઉમર નાયક ઉર્ફે ઈકબાલ બાઠીયો તથા દાઉદ આરીફ મુસાણી ઉર્ફે દાવલો નામનો શખ્સ ફાયરીંગ કર્યા પછી જામનગરથી ભાવનગર તરફ નાસી ગયા છે અને ત્યાંથી મોબાઈલ નંબર બદલાવી અમદાવાદ તરફ નાસી જવાની ફીરાકમાં છે. આથી એસપી સીંઘલને વાકેફ કરી જામનગર પોલીસે અમદાવાદ સ્થિત એટીએસનો સંપર્ક કરતા અમદાવાદના ઉજાલા સર્કલ નજીકથી શનિવારે ઈકબાલ બાઠીયા અને દાઉદ આરીફની અટકાયત કરી લેવામાં આવી હતી.
તે બન્ને શખ્સોને ગઈકાલે રિમાન્ડની માંગણી સાથે રજુ કરાતા અદાલતે તેઓને બે દિનના રિમાન્ડ પર સોંપ્યા છે. તે પછી આજે ફાયરીંગમાં સંડોવાયેલા બાકીના ચાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
આજે એસઓજી પી.આઈ. ગાધેના વડપણ હેઠળની ટુકડીએ બાકીના ચાર આરોપી જામનગરના ગુલાબનગર વાળા નીલેશ ઉર્ફે કાબા ધીરૃભાઈ પરમાર, રંગમતી પાર્કવાળા સંદીપ નટુભાઈ બારડ, રાજમોતી પાર્કવાળા આશીષ હરીશભાઈ રાઠોડ ઉર્ફે ચંપા કુંજ તથા હાપાના જવાહરનગરવાળા નિલેશ મનસુખભાઈ મકવાણા ઉર્ફે હકા નામના ચારેય શખ્સોની આજે ધરપકડ કરી દીધી છે.
આજે ઝડપાયેલા ચારેય આરોપીઓને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં વિદેશમાં રહેલા જયેશ પટેલની ધરપકડ માટે સિકંજો કસવામાં આવી રહ્યો છે.