જામનગર, તા.ર૩
જામનગરના નાની માટલી ગામમાં એક રહેણાકમાં બે પોલીસ સ્ટેશનના સંયુક્ત સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી ૨૩૬ પેટીમાં ભરેલો અંગ્રેજી શરાબનો ૨૮૩૨ બોટલનો જથ્થો મળી આવ્યો છે. તેની સાથે બે શખ્સો ઝડપાઈ ગયા છે અને અન્ય બે શખ્સોની સંડોવણી ખૂલી છે. પોલીસે કુલ રૂા.ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બપોરે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા, બાતમી મળી હતી કે જામનગર તાલુકાના નાની માટલી ગામમાં એક શખ્સે અંગ્રેજી શરાબનો જંગી જથ્થો ઉતાર્યો છે.
ત્યારપછી બંને પોલીસ સ્ટેશનના સંયુક્ત સ્ટાફે નાની માટલી ગામમાં આવેલા મહમદ બોદુભાઈ ખીરા ઉર્ફે કારાના મકાનમાં દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૮૩૨ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે મહમદ ઉર્ફે કારો તેમજ રાજસ્થાનના બાડમેર જિલ્લાના કોજા ગામનો રાજેશ ક્રિષ્નારામ જાંગુ નામનો શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂા.૧૪,૧૬,૦૦૦નો શરાબનો જથ્થો, બે મોબાઈલ ઝબ્બે લઈ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ આરંભી હતી. જેમાં તેઓએ પોતાના સાગરિત સન્ની આહિર અને રાજસ્થાનના ગંગારામ ઉર્ફે પપ્પુ હીરકનરામ બોદારાના નામ આપ્યા હતા. બંને શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.