જામનગર, તા.૧૯
જામનગરના પાંચ તરૂણો ગઈકાલે પોતપોતાના ઘરેથી ટયૂશનમાં જવાનું કહીને નીકળ્યા પછી ભેદી રીતે ગુમ થઈ જતાં આ વિદ્યાર્થીઓના પરિવારોએ હાફળાફાફળા બની તેઓની તપાસ શરૂ કરી હતી. મોડીરાત્રે આ બનાવથી પોલીસને વાકેફ કરાયા પછી આજે સવારે પાંચેય તરૃણો રાજકોટના રેલવે સ્ટેશન પર જોવા મળતા તેના પરિવારજનો સાથે પોલીસ રાજકોટ ધસી ગઈ છે.
જામનગરના પંચવટી ગૌશાળામાં રહેતા અયાન અનવરભાઈ ચૌહાણ નામના વિદ્યાર્થી અને તેના મિત્ર જેનીલ શાહ, જયરાજ કનોજિયા, વિવેક રબારી અને ધરારનગરમાં રહેતો નદીમ સેતા ગઈકાલે સાંજે પોતપોતાના ઘરેથી ટયૂશનમાં જવાનું કહીને નીકળ્યા હતા. રોજિંદા ક્રમ મુજબ ટયૂશનનો ટાઈમ પૂર્ણ થયો હોવા છતાં ઘેર પરત નહીં ફરતા પાંચેય તરૂણોના પરિવારો ચિંતામગ્ન બની ગયા હતા.
અયાન અનવરભાઈના માતા ફાતીમાબેન અનવરભાઈ ચૌહાણે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દોડી આવી પોતાના પુત્ર સહિતના પાંચ તરૂણો ગુમ થઈ ગયા હોવાની રજૂઆત કરતા ઈન્ચાર્જ પીઆઈ લાંબાએ તેઓની ફરિયાદ પરથી પાંચેય તરૂણોના અપહરણ થયાની આશંકાથી આઈપીસી ૩૬૩, ૩૬૬ હેઠળ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તે દરમ્યાન ઉપરોકત પાંચેય તરૂણો રાજકોટના રેલવે સ્ટેશન પર ઝળક્યા હોવાની પોલીસ સુત્રોને વિગત મળતા પોલીસે રાજકોટ પોલીસ તેમજ રેલવે પોલીસનો સંપર્ક કરી સગડ મેળવતા પાંચેય તરૂણો જામનગરના જ હોવાનું બહાર આવતા પોલીસ તથા આ તરૂણોના પરિવારોના શ્વાસ હેઠા બેઠા હતા.