જામનગર, તા.૨૧
જામનગરના ઢીંચડા રોડ પર આવેલી એક આસામીની રૃા. દોઢેક કરોડની કિંમતની ખેતીની જમીનના બનાવટી દસ્તાવેજ તૈયાર કરાવી ભૂમાફીયા જયેશ પટેલે તે જમીન પર પોતાનો હક્ક હોવાનું જાહેર નોટીસના માધ્યમથી અખબારોમાં પ્રસિદ્ધ કરાવતા વધુ એક આસામીએ જયેશ પટેલ તથા તે નોટીસ આપનાર વકીલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં સરૃસેક્શન રોડ પર આવેલી સરદાર પટેલ સોસાયટી-૨માં રહેતા દિનેશભાઈ રવજીભાઈ દોંગા નામના પટેલ વેપારીએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ મુળજી રાણપરીયા તથા વકીલ વી.એલ. માનસાતા સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેઓએ જણાવ્યા મુજબ જામનગરના ઢીંચડા રોડ પર આવેલી તેઓની રે.સ.નં. ૧૭૭ પૈકી બેની જે ૨,૪૨, ૮૧ હેકટર જમીન જેની અંદાજીત કિંમત રૃા. દોઢેક કરોડ આંકવામાં આવી રહી છે તે ખેતીની ૧૬ વીઘા જમીનને પચાવી પાડવાના ઈરાદાથી જયેશ ઉર્ફે જયસુખ પટેલે બોગસ દસ્તાવેજો બનાવી તે જમીન અંગે અખબારોમાં વકીલ વી.એલ. માનસતા મારફત જાહેર નોટીસ પણ પ્રસિદ્ધ કરાવી હતી. તે નોટીસ નીહાળ્યા પછી દિનેશભાઈ ચોંકી ગયા હતાં.
ઉપરોેકત બાબતે તેઓએ જિલ્લા પોલીસવડા શરદ સિંઘલનો સંપર્ક કરી અરજી આપવામાં આવતા એસપીની સૂચનાથી તપાસ શરૃ કરવામાં આવી હતી જેમાં તથ્ય જણાઈ આવતા ગઈકાલે દિનેશભાઈ પટેલની ફરિયાદ પરથી જયેશ ઉર્ફે જયસુખ પટેલ, વકીલ વી.એલ. માનસતા સામે આઈપીસી ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦ (બી), ૩૪ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેની તપાસ એસપી સિંઘલે એલસીબીને કરવાનો હુકમ કરતા પીએસઆઈ રામભાઈ ગોજીયાએ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જામનગરમાં જમીનની દલાલીનું કામ કરતા પ્રોફેસર પી.આર. રાજાણીએ કરોડો રૃપિયાની કિંમતનો એક સોદો કેન્સલ કરવા અથવા રૃા. એક કરોડ માંગવા અંગે અને પૈસા ન અપાતા પોતાની મોટર પર ફાયરીંગ કરાવવા અંગે ભૂમાફીયા જયેશ મુળજી રાણપરીયા અને તેના સાગરીતો સામે પોલીસમાં ફરિયાદ નોેંધાવતા નગરસેવક અતુલ ભંડેરી અને અન્ય છ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.