(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૫
જામનગરની ગ્રેઈન માર્કેટમાં આવેલી એક પેઢીમાં ડુપ્લીકેટ તમાકુની તપાસ કરવા પહોંચેલી એલસીબીની ટૂકડીમાં રહેલા એક કર્મચારીએ તે દુકાનદારને મારમારી ગેરવર્તન કર્યાની રાવ સાથે વેપારી મહામંડળે એસપી, ધારાસભ્યો, સાંસદને રજૂઆત કરવા ઉપરાંત એસપીને આવેદન પાઠવી આ કર્મી સામે ત્રણ દિવસમાં સખત પગલાં ભરવા અથવા આંદોલન છેડવાની ચીમકી આપી છે. જામનગરના દરેડ જીઆઈડીસીમાં શનિવારે બપોરે એલસીબીએ નકલી બાગબાન ૧૩૮ તમાકુની પડીકીઓ બનાવતા બે શખ્સોને પકડી પાડયા પછી દિ. પ્લોટ-પ૧ વિસ્તારમાં એક દુકાનમાંથી શંકાસ્પદ તમાકુનો જથ્થો પણ કબજે કર્યો હતો. રેડમાં ઝડપાયેલા કારખાનેદારોએ ઉપરોક્ત ડુપ્લીકેટ તમાકુ જામનગર શહેર તેમજ અન્ય કેટલાક સ્થળોએ જુદા-જુદા સમયે વેચવા માટે મોકલી હોવાની કબૂલાત આપતા એલસીબીએ તે દિશામાં હાથ ધરેલી તપાસ દરમિયાન શનિવારે બપોરે જ શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી આર.કે. ટ્રેડીંગ નામની દુકાનમાં પહોંચી ચકાસણી કરી હતી. આ વેળાએ તે દુકાનના વેપારી સાથે એલસીબીના એક કર્મચારીએ ઉશ્કેરાટમાં આવી ગેરવર્તન કર્યાની બૂમ ઉઠી છે. આ બાબતે જામનગરના વેપારીઓ ઉકળી ઉઠયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આર.કે. ટ્રેડીંગના ભાગીદાર ભાવેશભાઈને એલસીબીની ટીમે તમે ડુપ્લીકેટ તમાકુ બનાવો છો? તેમ પૂછતા ભાવેશભાઈએ ઈન્કાર કર્યો હતો આથી એક એલસીબી કર્મીએ તેને માર માર્યો હતો. ઉપરોક્ત બનાવ તે દુકાનમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે ત્યારે ગઈકાલે જામનગર શહેરના ધારાસભ્ય હકુભા જાડેજા કે જેઓ હાલમાં પોતાના વતન ખંભાળિયાના ભાતેલ ગામે છે ત્યાં પહોંચી આ પોલીસમેન સામે રજૂઆત કરી છે. તેઓએ પોલીસનો આ અત્યાચાર છેક ઉપર સુધી પહોંચાડવા માટે ધારાસભ્યને વિનંતી કરી છે. તદ્‌ઉપરાંત આજે સવારે જામનગર વેપારી મહામંડળ દ્વારા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલને રૃબરૃ મળી આવેદનપત્ર પાઠવી બૌતેર કલાકનો સમય આપ્યો છે. જો તે દરમ્યાન પોલીસકર્મી સામે પગલા ભરવામાં નહીં આવે તો જામનગર વેપારી મહામંડળે આંદોલન છેડવાની ચીમકી આપી છે. આવેદનપત્રની નકલ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન, ધારાસભ્ય હકુભાને પણ પાઠવવામાં આવી છે.