ફરાર હુમલાખોરોને શોધવા પોલીસના ધમપછાડા
(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૧૬
જામનગરમાં મોટાપીર ચોક સૈયદઅલી પીરની દરગાહ સામે રહેતો સલીમ ઉમરભાઈ સંઘાર નામનો ૪૩ વર્ષનો વેપારી યુવાન ગઇકાલે સવારે માંડવી ટાવર વિસ્તારમાં નાસ્તો કરવા માટે આવ્યો હતો. જે દરમિયાન ચાર અજાણ્યા શખ્શો તેના ઉપર ધારદાર હથિયારો વડે તૂટી પડયા હતા અને જીવલેણ હુમલો કરી દીધો હતો.
જેથી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ હીચકારા હુમલાના બનાવ પછી સીટી એ-ડિવિઝન પોલીસે તપાસનો દોર હાથ ધર્યો હતો, અને ચાર શખ્સો સામે ખૂનની કોશિષનો ગુનો નોંધ્યો છે.
જૂની અદાવતનો ખાર રાખીને પટણીવાડ વિસ્તારમાં રહેતા જૂનીયો પટણી, લિયાકત ઉર્ફે લાલો રૂંઝા, ગુજરાતીવાડ વિસ્તારમાં રહેતા તોહીન ખાન ઉર્ફે પપ્પુ ફિરોઝખાન, અને પટણી વાડ વિસ્તારમાં રહેતા સૂફીયાન રહેમાન કુરેશી સામે આઇપીસી કલમ ૩૦૭, ૧૨૦ (બી) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે. જે ચારેય આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ તમામને શોધી રહી છે.
ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ તકરાર થઈ હતી. જેનું મનદુખ રાખી ને ગઈકાલે ચારેય આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું ઘડી મોટર સાયકલમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને હીચકારો હુમલો કરી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઇજાગ્રસ્ત યુવાન હાલ જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Recent Comments