જામનગર, તા.૧૧
જામનગરના એક આસામીની સેન્ટ્રલ જીએસટીની કચેરી દ્વારા ધરપકડ કરાયા પછી રૂા.પચાસ કરોડની જીએસટી ચોરી ખૂલી હતી. તે નવ બોગસ પેઢી ખોલી કૌભાંડ આચરનાર નગરના આસામી સહિત ત્રણ વેપારીની ધરપકડ કરાયા પછી બે વેપારી જામીનમુક્ત થયા છે.
જામનગરમાં રોસાટા કોર્પોરેશન નામની પેઢી દ્વારા બોગસ બિલીંગ કૌભાંડ આચરવામાં આવી રૂા.પચાસેક કરોડની જીએસટીની ચોરી કર્યાની વિગતો મળતા રાજકોટ સ્થિત સીજીએસટીની પ્રી વેઈન્ટીંગ વીંગના સુપ્રિ. અંજનીકુમાર તથા સ્ટાફે ત્રણ દિવસ પહેલાં જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા સંદીપ છનીયારા નામના આસામીની ધરપકડ કરી તપાસ આદરી હતી.
આ શખ્સની પેઢીના આર્થિક વ્યવહારો ચકાસવામાં આવતા તેણે રોસાટા કોર્પોરેશન ઉપરાંત રીચ બ્રધર્સ, છનીયારા કોર્પોરેટ, છનીયારા એન્ડ કંપની, છનીયારા ઈ-કોમર્સ, કલાતીત એન્ટરપ્રાઈઝ, ડીસ્ટેન્ડ કોર્પોરેશન પ્રા. લિ., છનીયારા એગ્રો ઈન્ડ. તથા છનીયારા બુલીયન નામની નવ પેઢીના નામે બોગસ વ્યવહાર કરી રૂા.૨૭૨.૭૪ કરોડના વ્યવહાર કર્યા હતા. જેના કારણે રૂા.૪૯.૨૬ કરોડની જીએસટીની ચોરી થઈ હતી. ઉપરાંત વાંકાનેરની મે.આદિત્ય અલ્ટ્રા સ્ટીલ પ્રા. લિ.ના ખોટા બિલ મેળવી રૂા.૧૪.૫૫ કરોડનો માલ ખરીદ કર્યો હતો. જેનું ટ્રાન્ઝેક્શન માત્ર બે કરોડ એકસઠ લાખનું દર્શાવ્યું હતું. તેથી સીજીએસટીએ ત્રણેય વેપારીની ધરપકડ કરી છે. તે દરમ્યાન વાંકાનેરના વેપારી પિતા-પુત્રએ જીએસટીની ભરપાઈ કરી દેતા તેઓને જામીનમુક્ત કરવામાં આવ્યા છે.