જામનગર, તા.ર૭
જામનગરના શ્રાવણ મેળામાં છેલ્લા પાંચ દિવસમાં ૪૦૦ કિલોથી વધુ અખાદ્ય સામગ્રીનો ફૂડ શાખા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. આજે સવારે પણ મેળામાં ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી.
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની મોજ માણવા આવતા લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે મ્યુનિ. કમિશનર સતિષ પટેલ દ્વારા આરોગ્ય વિષયક ચેકીંગ સતત ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી. આથી મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ ઈન્સ્પેક્ટરો પી.એસ. વોડેદરા, એન.પી. જાસોલિયા અને દશરથ પરમાર દ્વારા મેળામાં વેંચાતી ખાદ્ય ચીજોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ દિવસમાં લગભગ ૪૦૦ કિલોથી વધુ અખાદ્ય સામગ્રી કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં આજે સવારે પણ ચેકીંગ કામગીરી દરમિયાન બટેટા, વટાણા, ઢોસાનો સંભાર, ઢોકળા વગેરે ૭૩ કિલો અખાદ્ય સામગ્રી નજરે ચઢતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૮ર૦ નંગ વાસી બ્રેડનો જથ્થો પણ કબજે કરી તેનો નાશ કરાયો હતો.