જામનગર, તા.૮
જામનગરના સસ્પેન્ડેડ પોલીસકર્મીના પુત્રએ રિસામણે બેસેલા પત્નીના પિયરે જઈ કરીયાવરના સામાનનો રોડ પર ઘા કરી પત્ની, સાળી તથા સાસુ પર હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
ખોડિયાર કોલોની સામે દિવ્યમ કોમ્પ્લેક્ષ નજીક રહેતા સસ્પેન્ડેડ પોલીસકર્મી ભૂપેન્દ્રભાઈ ઉપાધ્યાયના પુત્ર અમીતના લગ્ન દક્ષાબેન સાથે થયા પછી આ દંપતિ વચ્ચે વિખવાદ થતા થોડા સમયથી દક્ષાબેન રિસામણે પિયર ચાલ્યા ગયા હતા. તે પછી તેણીના કરિયાવરનો સામાન પાછો આપવાની બાબતે મનદુઃખ ચાલતું હતું તે દરમ્યાન અમીત તથા પ્રદીપ સામાન પાછો આપવા માટે દક્ષાબેનના પિયરે ગયા હતા. જ્યાં દક્ષાબેને સામાન પાછો રાખવાની ના પાડતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા. તેઓએ સામાનનો રોડ પર ઘા કરી ધમાલ મચાવી હતી. આ વેળાએ દક્ષાબેનના માતા તથા બહેન પર ઢીકાપાટું વડે હુમલો કરી અમીત અને પ્રદીપે માર મારી ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી. જેની દક્ષાબેને સીટી-સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનિય છે કે, જામનગરના સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ખંભાળિયાનાકા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ભૂપેન્દ્રભાઈ ઉપાધ્યાય સામે લાંચ લેવા અંગે અગાઉ ગુનો નોંધાયો હતો. તે પછી તેઓ સસ્પેન્ડ થયા હતા. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ હેઠળ ગુનો નોંધ્યો છે.
જામનગરના સસ્પેન્ડેડ પોલીસ કર્મીના પુત્ર સહિત બે સામે ફરિયાદ

Recent Comments