જામનગર, તા.૧૮
ખેડીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જામનગર (હાપા માર્કેટ યાર્ડ) દ્વારા આજે લાયસન્સદાર વેપારી સહિતનાઓને યાર્ડ દ્વારા વિનામૂલ્યે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસવડા શરદસિંઘલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ કાયદાને પ્રોત્સાહિત કરવા યાર્ડમાં લાયસન્સદાર વેપારીઓ, કર્મચારીઓને વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરવાનો કાર્યક્રમ આજે સવારે યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આવતા સપ્તાહે જામનગર તાલુકાની સેવા સહકારી મંડળીએ, તાલુકાની ખરીદ-વેચાણ મંડળીઓના પ્રમુખ, મંત્રી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો તાલુકાના તમામ સરપંચોને વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવશે. કુલ ૧૮૦૦ હેલ્મેટ વિતરણનું યાર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ, જિલ્લા રજીસ્ટાર લોખંડેના હસ્તે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, યાર્ડના વાઈસ ચેરમેન ધીરૂભાઈ કારિયા, સભ્યો, પ્રવિણસિંહ ઝાલા, દેવરાજભાઈ વરૂ, ભગવાનજીભાઈ ધમસાણીયા, જમનભાઈ ભંડેરી, દયાળજીભાઈ ભીમાણી, જીતેનભાઈ પરમાર, સુરેશભાઈ વસોયા, તખતસંગ જાડેજા, તેજુભા જાડેજા, પ્રમોદકુમાર કોઠારી, અરવિંદભાઈ મેતા, તુલસીભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલ અને પોલીસ વડા શરદ સિંઘલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.