જામનગર, તા.ર૦
સરકાર દ્વારા ટેકાન ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે, હજુ મગફળી તૈયાર નહીં હોવાથી પૂરતા પ્રમાણમાં ખેડૂતો યાર્ડમાં આવતા નથી. આમ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.
જામનગર માર્કેટ યાર્ડમાં ૩૦૦ ખેડૂતોને એસએમએસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, તેમાંથી માત્ર ૧૮ ખેડૂતો જ આવ્યા હતા. આથી તેમની મગફળી ખરીદાઈ હતી. તોળ ધ્રોળ માર્કેટ યાર્ડમાં ર૦૦ ખેડૂતોને બોલાવાયા હતા તેમાંથી ર૧ ખેડૂતો આવ્યા હતા અને તેમનો મગફળીનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો.
જોડિયા માર્કેટ યાર્ડમાં ૧૦૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા તેમાંથી એક પણ ખેડૂત આવ્યા જ નહતા, તો કાલાવડ માર્કેટ યાર્ડમાં ૩૦૦ ખેડૂતોને બોલાવવામાં આવતા તેમાંથી ૧પ૦ ખેડૂત આવ્યા હતા. જેમાંથી ૧૪૪ ખેડૂતની મગફળી ખરીદવામાં આવી હતી તો ૬ ખેડૂતની મગફળી રિજેક્ટ થઈ હતી. તેવી જ રીતે જામજોધપુર માર્કેટ યાર્ડમાં ૩૦૦ ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા તેમાંથી ૧૭પ ખેડૂતો આવ્યા હતા. જેમાંથી ૧૬૪ ખેડૂતની મગફળી ખરીદવામાં આવી હતી તો ૧૧ ખેડૂતોની મગફળી રીજેક્ટ થઈ હતી તથા લાલપુર માર્કેટ યાર્ડમાં ૩૦૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા તેમાંથી ૪૯ ખેડૂતો જ આવ્યા હતા. તેમાંથી ૪૬ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી હતી અને ૩ ખેડૂતોની મગફળી રીજેક્ટ થઈ હતી, આમ જિલ્લાના તમામ છ માર્કેટ યાર્ડમાં કુલ ૧પ૦૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા તેમાંથી ૪૧૩ ખેડૂતો આવ્યા હતા.