જામનગર, તા.૨૭
જામનગરમાં ટ્રાન્સપોર્ટ તથા બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા આઠ વેપારી એકમો પર જીએસટીની રાજકોટ વિભાગની કચેરીની ટુકડીઓએ ચકાસણી માટે દરોડા પાડતા બે પેઢી પાસેથી રૂા. ૩,૫૭,૫૮૧ની રકમ દંડ પેટે વસૂલવામાં આવી છે. ચાર પેઢીમાંથી કોઈ ક્ષતિ સાંપડી નથી અને બે પેઢીમાં ચકાસણી ચાલી રહી છે. રાજ્યના જીએસટી વિભાગની રાજકોટ કચેરીની ૧૬ ટુકડીઓ જામનગરમાં બ્રાસપાર્ટ તથા ટ્રાન્સપોર્ટની આઠ પેઢી પર ચકાસણી માટે ધસી આવી હતી. કેટલાક ટ્રાન્સપોર્ટર અને બ્રાસપાર્ટના વેપારીઓ દ્વારા ઈ-વે બીલ વગર માલ મોકલાતો હોવાની ઉઠેલી બૂમ વચ્ચે આઠેય સ્થળે ચકાસણી શરૂ કરવામાં આવી હતી. જેમાં રણજીત લોજીસ્ટીક-જામ રણજીત કેરિયર-રણજીત ટ્રાન્સપોર્ટ અને હરિદ્ધાર લોજીસ્ટીક, એન.આર. કાર્ગો, ઓટીસી ટ્રાન્સપોર્ટ, સીટીઝન મેટલ, અશોકકુમાર પન્નાલાલ એન્ડ કંપની, એટલાસ મેટલ, ટોપ મેન્યુફ્રેકચરીંગ નામના આ સ્થળે શરૂ થયેલી જીએસટી અધિકારી વી.એન. ગુર્જરના વડપણ હેઠળની કામગીરીમાં કુલ રૂા. ૩,૫૭,૫૮૧ની રકમ બે સ્થળેથી દંડ પેટે વસૂલ કરવામાં આવી છે. અશોકકુમાર, એટલાસ મેટલ, ટોપ મેન્યુફેકચરીંગ અને એન.આર. કાર્ગોમાં ગઈકાલે કામગીરી પૂર્ણ થઈ છે. તેમાં કોઈ ક્ષતિ જણાઈ આવી નથી. હરિદ્વાર લોજીસ્ટીક તેમજ ઓટીસી ટ્રાન્સપોર્ટ કંપનીમાં ચકાસણી યથાવત રાખવામાં આવી છે. જ્યારે રણજીત લોજીસ્ટીક પાસેથી રૂા. ૯૬,૫૮૧ અને સિટીઝન મેટલમાંથી રૂા. ૨.૬૧ હજારની વસૂલાત કરવામાં આવી છે.