(સંવાદદાતા દ્વારા) જામનગર,તા.૪
જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ તથા હોસ્પિટલને સતત ત્રીજા વર્ષે રાજ્ય સરકાર દ્વારા કાયાકલ્પ એવોર્ડ એનાયત કરાયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની પહેલ શરૂ કરેલ છે. જેના અંતર્ગત જે જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓ સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણની ઉચ્ચ કક્ષા હાંસલ કરે તેમને એવોર્ડ (પારિતોષિક) એનાયત કરવામાં આવે છે. આ સ્વાસ્થ્ય સંસ્થા સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણ કરવાની રીતોને ઉત્તેજન મળે તેના માટેની ઉતમ કામગીરી કરી રહી છે, જેની ફળશ્રુતી રૂપે છેલ્લા ત્રણ વર્ષથી ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ-જામનગર, દાંત તથા મોઢાના રોગોને લગતી સારવારની સુવિધાઓના કડક માપદંડને જાળવી રાખી કાયાકલ્પ એવોર્ડ મેળવવા માટે જરૂરી મૂલ્યાંકનની પ્રક્રીયામાંથી પસાર થઈ રાજય કક્ષાએ સૌથી વધારે ગુણ મેળવી પ્રથમ ક્રમાંક મેળવી રાજય સરકાર તરફથી પ્રમાણપત્ર, એવોર્ડ અને રોકડ ઈનામ પુરસ્કાર રૂપે મેળવી રહી છે. પાછલા બે વર્ષની જેમ આ વર્ષે (૨૦૧૭-૧૮) પણ સમગ્ર રાજયમાં પ્રથમ આવી કાયાકલ્પ એવોર્ડ મેળવેલ છે, જે સમગ્ર જામનગરની જનતાને ગર્વ લેવા જેવી વાત છે! જામનગર જિલ્લાના કલેકટર રવિ શંકર દ્વારા કાયાકલ્પ એવોર્ડનું વિતરણ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ-જામનગરમાં કરવામાં આવેલ હતું.