જામનગર, તા.૫
જામનગરની સરકારી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલના કોવિડ-૧૯ બિલ્ડિંગમાં આર્મીમેન દ્વારા સિક્યુરિટીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા નર્સ તેમજ બ્રધર સહિતના કર્મચારીઓ કે.જે તમામ કોરોના વોરીયરોએ કોરોનાના દર્દીઓની સારવાર તો કરી છે, સાથોસાથ તેઓની ભુલાઈ ગયેલી તમામ ચીજવસ્તુઓ દર્દીઓ અથવા તો તેમના સગાઓને પરત કરી દઇ પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. અને કુલ ૩૩૮ જેટલા દર્દીઓની સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની કિંમતી માલસામગ્રી પરત કરી છે.
જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ-૧૯ બિલ્ડિંગમાં કોરોનાના ૬ હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. હાલ મોટાભાગના દર્દીઓ સાજા થઈને પોતાના ઘેર જતા રહ્યા છે. જેઓની સારવાર માટે તેમજ દર્દીઓના સગા દ્વારા મોકલવામાં આવતી ચીજવસ્તુઓ દર્દીઓને સમયસર મળતી રહે તે માટે જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી વિભાગનો હવાલો સંભાળતા નિવૃત્ત આર્મીમેન તેમજ નર્સિંગ સ્ટાફ અને બ્રધર સહિતના કોરોના વોરિયર કે જેઓ કોવિડ-૧૯ના પિરિયડમાં સાચા કોરોના વોરિયર તરીકે ઊભા રહ્યા છે, અને અનેક દર્દીઓની ચીજવસ્તુઓ તેમના પરિવારજનોને શોધીને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા કુલ ૩૩૮ દર્દીઓની ચીજ વસ્તુઓ પરત કરવામાં આવી હતી, જેમાં ૩૫ નંગ સોનાની વીંટી, ૫૯ નંગ સોનાની બુટ્ટી, ૪૬ નંગ સોનાનો દાણો, ૩ સોનાના ચેન, ૨૫ નંગ ચાંદીના સાંકળા, ચાર નંગ ચાંદીની કંઠી, આઠના ચાંદીની વીંટી, ચાર નંગ ચાંદીની માછલી, ૮ નંગ ચાંદીના કડા, ૬૧ નંગ સોનાની બંગડી સહિતના સોના ચાંદીના ઘરેણા પરત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જુદા જુદા દર્દીઓની ૯૧,૫૩૯ રૂપિયાની રોકડ રકમ પણ પરત કરી દેવામાં આવી હતી. દર્દીઓના કુલ ૧૧૫ નંગ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જ્યારે ૧૪૬ સાદા મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૪ ઘડિયાળ, ૨૯ ટેબલ ફેન, અને ૧૩૭ મોબાઇલ ફોનના ચાર્જર જે તે મૂળ માલિકને પરત કરી દઇ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. અને સાચા કોરોના વોરિયર્સ બન્યા છે.