ગાંધીનગર, તા.૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦૧૯માં લેવાયેલી ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત બીજા વર્ષે જામનગર જિલ્લાના ધ્રોળ કેન્દ્રએ સર્વાધિક પરિણામ મેળવી ટોચનું સ્થાન મેળવ્યુું છે. ધ્રોળ કેન્દ્રનું પરિણામ ૯૧.૬૦ ટકા આવ્યું છે. વર્ષ ર૦૧૮માં પણ સમગ્ર રાજ્યમાં ધ્રોળ કેન્દ્ર ૯પ.૬પ ટકા પરિણામ સાથે મોખરે રહ્યું હતું.
સમગ્ર બોર્ડની પરીક્ષામાં કુલ ૧,ર૪,૬૯૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી ૧,ર૩,૮૬૦એ પરીક્ષા આપતા ૮૯,૦૬૦ ઉત્તીર્ણ થયા હતા. આમ સમગ્ર બોર્ડનું પરિણામ ૭૧.૯૦ ટકા આવ્યું છે. જે છેલ્લા સાત વર્ષમાં સૌથી નબળુ પરિણામ ગણાય છે. સમગ્ર બોર્ડમાં એ-વન ગ્રેડમાં માત્ર રપ૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે એ-ટુ ગ્રેડમાં ૩૬૯૦ ઉત્તીર્ણ થયા છે.
સમગ્ર બોર્ડમાં જિલ્લાની દૃષ્ટિએ રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ ૮૪.૪૭ ટકા જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું ર૯.૮૧ ટકા પરિણામ આવ્યું છે.
હાલારના બંને જિલ્લામાં જામનગર જિલ્લામાં નોંધાયેલા ૧૯૮૩માંથી ૧૯૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧પ૭પ પાસ થતા જામનગર જિલ્લાનું પરિણામ ૭૯.૬૩ ટકા આવ્યું છે. જામનગર જિલ્લામાં એ-૧ ગ્રેડ મેળવવામાં માત્ર પાંચ વિદ્યાર્થીઓ સફળ થયા છે.
જ્યારે દ્વારકા જિલ્લામાં નોંધાયેલા ૪રરમાંથી ૪ર૦એ પરીક્ષા આપી હતી. તેમાંથી ૩૧પ ઉત્તીર્ણ થતા ૭પ.૦૦ ટકા પરિણામ આવ્યું છે, જો કે એ-૧ ગ્રેડમાં આ જિલ્લામાં કોઈ ઉત્તીર્ણ થયા નથી.
જામનગર કેન્દ્રમાં ૧૪૩૧ પરીક્ષાર્થીઓમાંથી ૧૦૮૪ ઉત્તીર્ણ, ધ્રોળમાં ૪૮૮માંથી ૪૪૭ ઉત્તીર્ણ, મીઠાપુરમાં ૯૧માંથી પ૮ ઉત્તીર્ણ અને ખંભાળિયામાં ૩ર૯માંથી રપ૭ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે.
ગુજરાત એચએસસી બોર્ડ દ્વારા લેવાયેલ સેમેસ્ટર સિસ્ટમની પરીક્ષાનું પરિણામ અત્યંત કંગાળ ૧ર.૮૬ ટકા રહ્યું છે.