જામનગર તા.૧૫
જામનગર શહેર તથા આજુબાજુના ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ અતીવૃષ્ટી કરી છે, માત્ર ૧૨ કલાકમાં હાલારના અનેક ડેમો છલોછલ ભરી દીધા છે, ત્રણથી ચાર ડેમો છલકું છલકું થઇ રહયા છે, ત્યારે રાજાશાહી વખતના જામનગરના નયનરમ્ય ગણાતા લાખોટા તળાવનો ૯૦ ટકા ભાગ ભરાઇ ગયો છે, વધુ પાણીની આવક ચાલું છે પરંતુ કોઇ જાનહાની ન થાય અને શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ન ઘૂસે તે માટે ગઇકાલ રાતથી જ લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી કેનાલના દરવાજા કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. જામનગરની મધ્મમાં આવેલ રણમલ તળાવમાં પાણીની આવક ઓછી હતી, બધાને ચિંતા પણ હતી, લાલપુર તાલુકામાં ઓછો વરસાદ છે અને રણજીતસાગર તરફથી આવતી કેનાલ બંધ થઇ ગઇ છે, આવા સમયે પાણીની આવક ઘટી ગઇ છે પરંતુ કેટલાક લોકોએ મ્યુ.કમિશ્નરનું ધ્યાન દોર્યુ હતું અને રણજીતસાગરનો ફલો ખૂબ જ વધારે હોય, લાલપુર બાયપાસ ચોકડી પાસેની કેનાલનો પાળો તોડીને તળાવમાં આવતી કેનાલમાં વધુ પાણી આવે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો, આખરે આ દિવાલ તોડી પડાઇ હતી અને બે દિવસથી ધમધોકાર પાણી લાખોટામાં ઠાલવવામાં આવ્યું હતું. ગઇકાલ રાત સુધીમાં આ તળાવ ૮૫ ટકા ભરાઇ જતા ધીરે-ધીરે ૯૦ ટકા ભરાયું હતું ત્રણ દિવસ સુધી જામનગર અને આજુબાજુના ગામડાઓમાં અતી ભારે વરસાદની આગાહી છે ત્યારે હાલમાં પાણીનો ફલો વધારે હોય, જો તળાવ છલકાઇ જાય તો, પત્રકાર કોલોની, ગુસદ્વારા, લીમડાલાઇન જેવા વિસ્તારોમાં પાણીનો ફલો વધી જાય અને લોકો ઉપર જોખમ આવી શકે આથી ૯૦ ટકા તળાવ ભરાઇ ગયું હોય તાત્કાલિક અસરથી રણજીત સાગરવાળી કેનાલ બંધ કરી દેવામાં આવી છે.