(સંવાદદાતા દ્વારા)
જામનગર તા. ર
જામનગરમાં ર૩ દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, તેથી જામનગરને ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આપવા રાજ્યમંત્રી હકુભા જાડેજાએ રજૂઆત કરતા મુખ્યમંત્રી રૃપાણીએ ટૂંક સમયમાં આ ફેરફાર થઈ જશે, તેવી હૈયાધારણા આપી છે. કોરોના મહામારીના સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓની ઝોનવાઈઝ વહેંચણી કરવામાં આવી છે અને તેમાં જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો નહીં હોવાના મુદ્દે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા મોબાઈલ પર વાતચીત કરવામાં આવી હતી અને જામનગરના લોકોની લાગણી તથા માંગણી મુખ્યમંત્રી સમક્ષ પહોંચાડી હતી. જવાબમાં મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે, જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ ભારપૂર્વક ભલામણ કરશે.
હકુભાએ મુખ્યમંત્રીને કહ્યું હતું કે, કોરોનાની જે ગાઈડલાઈન છે તેમાં એવું સ્પષ્ટ આપવામાં આવ્યું છે કે, ર૧ દિવસ સુધી જો જિલ્લામાં કેસ ન નોંધાય તો જિલ્લો આપોઆપ ગ્રીન ઝોનમાં આવી જાય છે. આ જોતા જામનગરમાં ગઈકાલ સુધી એટલે કે ર૩ દિવસ થવા છતાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આથી જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થવો જોઈએ.
આમ, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હકુભા જાડેજા દ્વારા જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા માટે મુખ્યમંત્રી સાથે કરાયેલી વાતચીત અને મુખ્યમંત્રી દ્વારા જે હયાધારણ અપાયેલ છે તેનાથી એવું લાગે છે કે ટૂંક સમયમાં જામનગર જિલ્લાને પણ ગ્રીન ઝોનમાં સમાવી લેવામાં આવશે.