જામનગર, તા.૧૫
જામનગર શહેરમાં મેઘાએ ભલે પ્રારંભમાં વરસ્યા પછી લાંબી રાહ જોવડાવી હોય, પરંતુ હવે દે ધનાધન વરસી રહ્યો છે, જેથી નદી, નાળા, તળાવો, ચેકડેમો, ડેમો વગેરે જળાશયો છલકાયા છે. તે પૈકી જામનગર શહેરને પાણી પૂરૂં પાડતા ડેમો પૈકીનો સસોઈ ડેમ પણ આજે સવારે નવેક વાગ્યાના સુમારે દોઢ ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો હતો. આ દૃશ્યો એટલા નયનરમ્ય અને અદ્‌ભુત છે કે, તેને નિહાળીને આંખોના માધ્યમથી જન-જનના દિલોદિમાગને ઠંડક પહોંચી હતી. વિપુલ જળરાશિ ભરાતા હવે પીવાના પાણીની ચિંતા લગભગ ટળી ગઈ છે. મોટાભાગના જળાશયો છલકાયા છે અને ભૂગર્ભ જળસપાટી પણ વધી હશે, જેથી હવે સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ છે. આ કારણે રવિપાકને પણ પિયતની પૂરતી સુવિધા મળી રહેશે. જળાશયો છલકાઈ જતા ખેડૂતો સહિત લોકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે. આ આહ્‌લાદક માહોલની મોજ લેવા ઘણાં સ્થળે લોકો ઉમટી રહ્યા છે.