જામનગર, તા.૨૫
જામનગરમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાથી કોરોનાના કેસોની રફતાર જો ન ઘટે તો આગામી દિવસોમાં દર્દીઓને માટે આયુર્વેદ યુનિવર્સિટીની હોસ્પિટલ તેમજ કામદાર રાજય વિમા યોજાની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી કરવામાં આવી છે. આમ નવી બે કોવિડ હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન આયુર્વેદ હોસ્પિટલમાં તેમજ હીરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલ કામદાર રાજય વિમા યોજનાની હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરી લેવાતા જિલ્લા કલેકટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલ તથા અન્ય અધિકારીઓએ તેનું નિરીક્ષણ કરી સંબંધિત સત્તાવાળાઓને જરૂરી સવલત ઝડપભેર ઊભી કરવા તાકીદ કરી હતી. જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર આ કોવિડ હોસ્પિટલમાં ૫૦ વર્ષથી વધુની વયના તબીબી કે પેરા મેડિકલ સ્ટાફને આઇસોલેટેડ વોર્ડમાં ડયુટી ન ફાળવવા પણ નકકી થયું છે. કોરોનાના પોઝિટિવ કેસને બે કેટેગરીમાં વહેંચી દેવાશે ઇમરજન્સી સારવાર કે વેન્ટીલેટરની જરૂરીયાત હોય, આઇ.સી.યુ.ની જરૂરીયાત હોય તેવા દર્દીને ગુરૂગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા અને સામાન્ય સ્થિતિવાળા દર્દીને આ નવી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા તેવું નકકી કરવાની વિચારણા ચાલી રહી છે.