જામનગર, તા.૧૭
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ભાવ વધારો થતાં જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજે થાળી વગાડી સરકારની ઊંઘ ઊડાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ચાલીસેક કાર્યકરોની અટકાયત કરી હતી. લોકડાઉનમાં બેહાલ થયેલી જનતાને દાઝ્યા પર ડામ આપતી હોય તેમ કેન્દ્ર સરકાર રોજિંદા પ૦ પૈસા જેવો ભાવ વધારો પેટ્રોલ-ડીઝલમાં કરી રહી છે. તેમાં રાજ્ય સરકારે પણ લીટરે બે રૂપિયા જેવો ભાવ વધારો ઝીંકી દેતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાજ્યના તમામ જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા આ ભાવવધારા સામે પ્રચંડ વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ કોંગ્રેસના આદેશથી આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક કોર્પોરેટરો સહિતના આગેવાનોની ગેરહાજરી જોવા મળી હતી. જેના અનુસંધાને આજે સવારે લાલબંગલા સર્કલમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો એકત્ર થયા હતા અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ સમયે હાજર પોલીસે તરત જ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી જેમાં આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખફી, ઉપરાંત કોર્પોરેટર યુસુફ ખફી જેનબબેન ખફી, આનંદ ગોહિલ ઉપરાંત મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, તેમજ કરણસિંહ જાડેજા, દિગુભા જાડેજા, સહારાબેન મકવાણા, સંજય કાંબરિયા પ્રવિણભાઈ જેઠવા વગેરે જોડાયા હતા. પોલીસે આશરે ૪૦થી વધુ આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી.