જામનગર, તા.૪
જામનગર લોકસભાની બેઠક પરથી ભાજપના પૂનમ માડમ અને જામનગર ગ્રામ્ય બેઠક પરથી રાઘવજી પટેલે ગત તા.૨ રોજ ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હોય કોંગ્રેસે પણ ઓશવાળ સેન્ટર ખાતે વિશાળ સંમેલન યોજીને લોકસભાના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા અને જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર જયંતિ સભાયાએ વિશાળ રેલી યોજીને કલેકટર કચેરી ખાતે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે.
જામનગરમાં આજે શહેરના ઓશવાળ સેન્ટર ખાતે કોંગ્રેસનું નામાંકન સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ હાજરી આપી હતી. દરમ્યાન જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસે આયાતી ઉમેદવાર પર પસંદગી ઉતારતા ખુદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલની ખુલ્લેઆમ નારાજગી સામે આવી છે અને આજના કોંગ્રેસના કાર્યક્રમમાં ન જોડાઈને કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે નારાજગી દર્શાવી છે.
આ કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરી ટીકા કરી ખેડૂતોના પ્રશ્ને સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસનાં પીઢ નેતા ચંદ્રિકાબેન ચુડાસમા, અર્જુન મોઢવાડિયા, ભીખુભાઈ વારોતરિયા, ધારાસભ્ય વિક્રમ માડમ, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા, કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મૂછડિયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી અને પૂર્વ કોર્પોરેટર તુલસી સભાયા સહિત આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.
જામનગર લોકસભાની ચૂંટણી માટે આજે બપોરે એક વાગ્યા સુધીમાં ૩ર ઉમેદવારી પત્રો ભરાયા હતા. જ્યારે જામનગરની એક વિધાનસભા બેઠક માટે આજે બપોર સુધીમાં ચાર ફોર્મ રજૂ થયા હતા.