જામનગર, તા.૬
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે જામનગરની ત્રણ દિવસની મુલાકાતે આવેલાં પ્રદેશના પ્રભારીઓની ઉપસ્થિતિ વચ્ચે આજે કોંગ્રેસે ‘હેલ્લો જામનગર… ઉઠાવો અવાજ…’ શિર્ષક હેઠળ પ્રચાર ઝૂંબેશનો નગારે ઘા કરી જુદા-જુદા છ મુદ્દે લોકોને જાગૃત બની સત્તા પરિવર્તનમાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું. કોંગ્રેસે આજે ખાસ વ્હોટ્‌સઍપ નંબર જાહેર કર્યા છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજુભાઈ પરમાર, ખુરશીદ સૈયદ અને ચંદ્રીકાબેન ચુડાસમાએ સૅન્સ પ્રક્રિયા હાથ ધરવાની સાથે આજે અન્ય મહાનગરોની જેમ જામનગરમાં પણ ‘હેલ્લો જામનગર’નો પ્રારંભ કર્યો છે. કોંગ્રેસના આ નવત્તર પ્રયોગમાં પ્રજાને આગામી ચૂંટણીમાં પરિવર્તન લાવવા આહવાન કરી, જેમણે કોરોના કાળમાં બેડના બદલે ધક્કા, વૅન્ટિલેટરના બદલે ધમણ, સરકારી હૉસ્પિટલમાં સારવારના બદલે ખાનગી હૉસ્પિટલની લૂંટ, સરકારી સ્કૂલોના અભાવે ખાનગી શાળામાં પોતાના બાળકોને ભણાવવા મજબૂર વાલીઓ, ટ્રાફિક-પાણી-ગંદકીની સમસ્યા ભોગવતાં પ્રજાજનો અને કોવિડ હૉસ્પિટલના અગ્નિકાંડમાં સ્વજનો ગૂમાવનાર પ્રજાનો અવાજ બનવાનો કોલ અપાયો હતો.