(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૯
જામનગર માટે કાલનો દિવસ બ્લેક ફ્રાઈ-ડે સાબિત થયો હતો. એક જ દિવસમાં પંદર દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળતા તંત્ર રીતસર ઉંધામો થયું હતું અને આ સંક્રમણને રોકવા માટે બેઠકનો ધમધમાટ શરૂ કરી જરૂરી આકરા પગલાં લેવા નિર્ણય કરવામાં આવ્યા પછી જરૂરી આદેશો પણ કરવામાં આવ્યા હતા, તો જુદા જુદા સરકારી વિભાગો દ્વારા જરૂરી આનુસાંગિક કાર્યવાહી કરવામાં આવી હતી, તો એક ૧૧ માસના બાળકનું રિપોર્ટ મળે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું છે. જો કે, આ મૃતક બાળકનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો, આમ એક જ દિવસમાં પંદર કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો. હડિયાણા (જોડિયા)ના ૩પ વર્ષના પુરૂષ, જામનગરમાં સત્યસાંઈનગર વિસ્તારના ૩૮ વર્ષના પુરૂષ, રણજીત રોડ માર્ગે રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા, દિગ્જામ માર્ગે રહેતા ર૭ વર્ષના મહિલા, ચાર વર્ષનું એક બાળક અને ચેલા એસઆરપી કેમ્પના પપ વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમજ ૧૧ માસના બાળક (ધ્રોલ)નું સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. તેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. આમ સાત સવારે અને સાત સાંજે મળી કુલ ૧૪ કેસ નોંધાયા હતા, જ્યારે એસ.આર.પી. (ચેલા) માં વધુ એક જવાનનો રિપોર્ટ પણ મોડી રાત્રે પોઝિટિવ મળતા ગઈકાલના એક જ દિવસની સંખ્યા પંદર ઉપર પહોંચી હતી. આમ જામનગરનો કોરોના પોઝિટિવનો કુલ આંક ર૩ ઉપર પહોંચ્યો છે જ્યારે મૃત્યુઆંક બેનો થયો છે, જ્યારે જામનગર જિલ્લામાં સતત વધતા જતા કોરોના પોઝિટિવ કેસને અંકુશમાં લેવા માટે જામનગર જિલ્લાના તમામ બોર્ડરો સીલ કરવામાં આવી છે અને અન્ય જિલ્લામાંથી આવતા લોકો ઉપર પ્રવેશબંધી લાદવામાં આવી છે. આ માટેનું જાહેરનામું જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરાંત જામનગરની સરકારી હોસ્પિટલમાં આજે ચાર જિલ્લામાંથી તપાસણી માટે આવેલા ૯ર સેમ્પલનો રિપોર્ટ નેગિટિવ મળ્યા છે, જ્યારે અન્ય સાત કેસની ચકાસણી ચાલી રહી છે. જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલની લેબોરેટરીમાં આજે જામનગરના ૩૧, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૮, મોરબીના ર૩ અને પોરબંદરના ૭ નમૂનાઓ તપાસણી માટે આવ્યા હતાં. આમ કુલ ૯૯ સેમ્પલની તપાસણી કરવામાં આવી રહી છે. તેમાથી ૯ર નો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે, જ્યારે બાકીના સાત નમૂનાની ચકાસણી થઈ રહી છે.