(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૭
જામનગર મ્યુનિ. કમિશનર દ્વારા વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શહેરમાં ઢોર રાખવા તેમજ ઘાસચારો વેંચાણ કરવા સામે પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કે, આ પહેલાં પણ અનેક જાહેરનામા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, ત્યારે આ ઢોર સંબંધિત જાહેરનામું કેટલું અસરકારક નીવડી એ તો આવનારો સમય જ કહેશે. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દરરોજ વધતો જાય છે. પરિણામે ગંદકી થાય છે, ટ્રાફિક સમસ્યા વધુ વકરે છે, અને રોગચાળો ફેલાવવાનો પણ ભય રહે છે. આથી, તા. ૧૦-૮-ર૦૧૬ના શહેરમાં રખડતા ઢોર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પછી તા. ર૦-૬-ર૦૧૯ નાં જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પછી પણ ઢોર માલિકોએ ઢોર અંગે રજીસ્ટ્રેશન કરાવવાની દરકાર લીધી ન હતી. આથી મ્યુનિ. કમિશનર સતીષ પટેલ દ્વારા વધુ એક વખત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેરમાં ચોપગા પશુઓ રાખવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત છૂટક કે જથ્થાબંધ ઘાંસચારો વેંચાણ કરવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિયમભંગ કરનાર સામે કાયદેસર પગલા લેવામાં આવશે. ઉપરાંત ગૌશાળાએ પણ ઢોરની સંખ્યા સહિતના કેટલાક નિયમનું પાલન કરવું ફરજિયાત છે તેમ જણાવાયું છે.