જામનગર,તા.ર
દરેડના ચાર હજાર જેટલા ઉદ્યોગકારોને જામ્યુકોએ લોકેશન-૪ની ગણતરી મુજબ આકારણી કરીને નોટીસો મોકલતા આ મુદ્દો ગરમાયો છે. જીઆઈડીસી એસોસિએશને આ મુદ્દે લડત આપવા અંગે ચર્ચા કરવા શનિવારે જનરલ મિટિંગ બોલાવી છે.
જામ્યુકોની હદમાં વર્ષ ર૦૧૩થી ભળેલા જીઆઈડીસી ફેઈસ-ટુ અને થ્રી ના ચાર હજાર કારખાનેદારો, શેડ હોલ્ડર્સ, પ્લોટ હોલ્ડર્સ સહિત નાના-મોટા એકમોને લોકેશન ફેક્ટર-૪માં ગણીને આકારણી કરી હતી. તે પછી સમયાંતરે ઉદ્યોગકારોએ જામ્યુકો સમક્ષ જીઆઈડીસી એરિયાને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને નરોડા જીઆઈડીસી એરિયાના એમ.ઓ.યુ.ની જેમ ગણીને એમ.ઓ.યુ. કરવાની માંગણી કરી હતી.
એ પછી જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં લગભગ પખવાડિયા પહેલા આ પ્રકારનું એમ.ઓ.યુ. કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
એ પછી સ્ટેન્ડીંગ કમિટીએ આ દરખાસ્ત રદ કરી હતી, તેથી જીઆઈડીસી પ્લોટ એન્ડ શેરહોલ્ડર્સ એસોસિએશન-દરેડ દ્વારા અખબારી માધ્યમથી ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૬થી મિલકતવેરો ભરવાની જામ્યુકોએ નોટીસો આપી છે, પરંતુ જામ્યુકો દ્વારા આજ પર્યંત કોઈ સુવિધા આપી નથી, જ્યારે આજ સુધીનો સર્વિસ ચાર્જ કારખાનેદારો, પ્લોટ અને શેર હોલ્ડરોએ ભરપાઈ કર્યો છે, તેમ છતાં સુવિધાઓ અપાઈ નહીં હોવાથી ન્યાયિક રીતે કોઈ રકમ જામ્યુકોને ભરવાની થતી નથી, તેથી જામ્યુકોએ ઈશ્યુ કરેલા બીલો સામે દરેક ઉદ્યોગકારો વાંધા અરજી આપે. આ અંગે એસોસિએશને આગામી શનિવારે એક જનરલ મિટિંગ બોલાવી હોવાનું જાણવા મળે છે.