જામનગર, તા.૧૮
જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળામાં બે દિવસ સુધી કેસોની સંખ્યામાં થોડી રાહત જોવા મળ્યા પછી ગઈકાલે ફરી એક વખત દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે પ૩ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટીવ મળ્યા હતા. આથી આરોગ્યતંત્રની દોડધામ વધી જવા પામી હતી.
જામનગર શહેર-જિલ્લામાં ચારેક માસથી ડેન્ગ્યુનો રોગચાળો ફેલાયો છે. તંત્રની વ્યાપક કોશિષ છતાં આ રોગચાળો કાબૂમાં આવતો નથી. ગત્‌ સપ્તાહના પ્રારંભથી ડેન્ગ્યુના રોગીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ગઈકાલે ફરી એક વખત ડેન્ગ્યુના કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો.
ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં પ૩ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા હતા. જ્યારે ગઈકાલે ૪પ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગત્‌ શનિવારે ર૯ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા, આમ બે દિવસમાં કુલ ૮ર દર્દીઓ નોંધાયા છે.