જામનગર, તા.રપ
જામનગરને ધમરોળી રહેલા રોગચાળામાં કોઈ રાહતના અણસાર જોવા મળતા નથી. ગઈકાલે પણ સરકારી હોસ્પિટલમાં ર૬ દર્દીઓને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ મળ્યો હતો. હાલ આ તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જામનગરમાં ચોમાસા પછી રોગચાળો સતત અને દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તંત્ર દ્વારા સફાઈ અને દવા છંટકાવ તથા ફોગીંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ રોગચાળામાં વધુને વધુ લોકો સપડાઈ રહ્યા છે. જો તંત્ર દ્વારા સઘન કાર્યવાહી થતી હોય તો દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવો જોઈએ. પરંતુ અહીં ઉલટુ ચિત્ર જોવા મળે છે અને દરરોજ દર્દીઓની સંખ્યા વધતી જાય છે જે સાબિત કરે છે કે તંત્રના દાવામાં કોઈ તથ્ય નથી. રોગચાળાએ ભરડો લેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગઈકાલે ર૬ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટીવ મળ્યા હતા. લોકોના ઘરમાં ચોખ્ખા પાણીનો સંગ્રહ થયો છે અને તેમાં ઉત્પન્ન થતા એડીસ મચ્છરો કરડતા ડેન્ગ્યૂ થતો હોવાનો ઢોલ પીટતા મહાનગરપાલિકાના તંત્રને શહેરમાં વરસાદી પાણી ભરેલા ખાડા, ખાબોચિયા, જમીનના ખૂલ્લા પ્લોટ દેખાતા નથી ?
શહેરમાં અનેક સ્થળે સોસાયટીમાં વર્ષોથી જમીનનો પ્લોટ ખૂલ્લા અને પડતર પડ્યા છે. જે આજે ગંદકીથી ખદબદી રહ્યા છે અને મીની તળાવ બની ગયા છે. તેની સફાઈ કોણ કરાવશે ? ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કોણે કરવાનો છે ? અનેક બહુમાળી ઈમારતના સેલર પાણીથી ભરાયેલા ૫ડ્યા છે. જ્યાં સુધી સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી આ રોગચાળો કાબૂમાં આવે તેમ જણાતું નથી.