જામનગર, તા.૯
જામનગર શહેરમાં એક સાથે ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા સંબંધિત તંત્રની દોડધામ વધી જવા પામી હતી. આ ત્રણેય કોરોના પોઝિટિવ ધરાવતા વ્યક્તિ એક જ કુટુંબના છે. શહેરના સાધના કોલોની માર્ગે હર્ષદમીલ ચાલી નજીક રહેતા એક જ કુટુંબના ત્રણ વ્યક્તિઓ જેમાં ૩૦ વર્ષનો યુવાન, પપ વર્ષના મહિલા અને ૩૬ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. આ ત્રણેય દસેક દિવસ પહેલાં ધોરાજી ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતા. પરંતુ ગઈકાલે તેમની તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, જ્યાં તેમના જરૂરી નમૂના લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ મળતા હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે સવારના બેચમાં ૧પ૯ સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા જેમાં ત્રણ પોઝિટિવ અને અન્ય તમામ ૧પ૬નો રિપોર્ટ નેગેટિવ મળ્યા હતા. આ ઉપરાંત ગત સાંજના ૧૦ર સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ મળ્યા હતા. જ્યારે જામનગરના ૧ર, પોરબંદરના ૩૪, દ્વારકા જિલ્લાના પ૪ અને મોરબીના ૬પ મળી ૧૬પ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે જેનો રિપોર્ટ સાંજે મળનાર છે. વધુ બે દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે હાલ ૧ર દર્દીઓ સારવાર હેઠળ છે.