જામનગર તા. ૧૯
જામનગરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની દોડધામ વધી જવા પામી છે, જ્યારે આજે વધુ બે દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ દરમિયાન જામનગરના સમરસ હોસ્ટેલમાં રહેલા બે લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળતા તંત્ર ધંધે લાગ્યું છે અને બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે પણ જામનગરના વામ્બે આવાસ વિસ્તારના ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યો હતો.
આમ જામનગરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ત્રણ દર્દી નોંધાતા આરોગ્ય સહિતના વિભાગની દોડધામ વધી જવા પામી છે.
બીજી તરફ જામનગર અને ધ્રોળના એમ કુલ બે યુવાનોની તબિયત સારી થતા આજે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ હાલ જી.જી. હોસ્પિટલમાં કુલ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે, જો કે કોઈની સ્થિતિ ગંભીર નથી. જામનગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૭ની થવા પામી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે સવારે ૩૪૧ સેમ્પલો ચકાસણી માટે આવ્ય હતાં જેમાં જામનગરના પ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૯૩ અને મોરબી જિલ્લાના ર૪૩ મળી કુલ ૩૪૧ સેમ્પલ આવ્યા હતાં તેમાંથી એક બાળક પોઝિટિવ મળ્યું હતું અને અન્ય ૩૪૦ સેમ્પલ નેગેટીવ મળ્યા હતાં, જ્યારે સાંજે આવેલા ૭૧ સેમ્પલોમાંથી ૨ પોઝિટિવ અને અન્ય ૬૯ નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.