(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૪
જામનગરના ઈન્દિરા માર્ગ પર આવેલી અંબર ચોકડી નજીકના એક બિલ્ડરના નિવાસસ્થાને કેટલાક શંકાસ્પદ શખ્સો દેખાયા હોવાની ઉઠેલી એક ચર્ચા વચ્ચે જામનગરમાં એક બિલ્ડરની હત્યા માટે શાર્પશૂટરો આવ્યા હોવાની ચર્ચા ઊઠી હતી. જેના પગલે તે બિલ્ડરની ઓફિસ તેમજ રહેણાકના સ્થળે પોલીસ કાફલો ધસી ગયો હતો. આ ઉપરાંત પોલીસે જામનગરના પ્રવેશદ્વારસમા સુભાષબ્રિજથી માંડીને ઠેર-ઠેર વોચ ગોઠવી દીધી હતી, તેમ છતાં આ પ્રકારના કોઈ શંકાસ્પદ શખ્સો હાથમાં આવ્યા ન હતા. પોલીસે ત્રણેય શકમંદોની ઓળખ મેળવવા તે માર્ગ પર મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. એક તબક્કે આ ચર્ચાએ જોર પકડતા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલે આવી કોઈ બાબત ન બની હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, થોડા સમય પહેલાં બિલ્ડર દ્વારા એક અરજી કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે તેઓના નિવાસસ્થાન, ઓફિસે બંદોબસ્ત ગોઠવી ચકાસણી હાથ ધરી છે.