જામનગર, તા. ર૪
જામનગર મહાનગર-પાલિકાના હોર્ડીંગ્સ તથા કિયોસ્ક બોર્ડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા પછી થયેલા કાનૂની વિવાદમાં પ્રકરણ કૂંડાળે ચડ્યું છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ટેન્ડરના એક ભાગ માટે કદાચ સાતમી વખત ભાવ માંગવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.
હોર્ડીંગ્સ અને કિયોસ્ક બોર્ડમાં વરસોથી એક પાર્ટીની સાથે સાંઠગાંઠના કારણે મોનોપોલી સાથે ‘બિઝનેસ’ ચાલતો હતો. આ પાર્ટી પાસે લાખ્ખો રૂપિયાની વસૂલાત બાકી હોવાનું અને અન્ય કારણોસર બ્લેક લીસ્ટેડ કરવા માટે પણ માગણીઓ થઈ હતી અને તેમ છતાં ટેન્ડર પ્રક્રિયામાં આ ચોક્કસ પાર્ટીને જ ફાયદો થાય તેવી અવનવી જોગવાઈઓ દર્શાવી આખા પ્રકરણને જટીલ બનાવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ટેન્ડર ભરનારી અન્ય એક પાર્ટીએ કેટલીક બાબતો સાથે ટેન્ડર પ્રક્રિયાને કોર્ટમાં પડકારી હોવાથી સમગ્ર પ્રકરણ સબજ્યુડિશ્યલ થયું છે.
આમ હાલમાં મહાનગરપાલિકાના ખુદના છ જેટલા હોર્ડીંગ્સ સિવાય કોઈને પણ હોર્ડીંગ્સ કે કિયોસ્ક બોર્ડનો કોન્ટ્રાક્ટ કે કામ મળ્યા નથી. તેમ છતાં જામનગરમાં અનેક (કદાચ સેંકડોની સંખ્યામાં) થાંભલાઓ પર ખાનગી પેઢીઓ, શો-રૂમવાળાઓ, અન્ય પ્રચારક બોર્ડ, રાસગરબા મહોત્સવના બોર્ડ-કિયોસ્ક બોર્ડ મનફાવે તેવી સાઈઝમાં, આડેધડ જ્યાં ત્યાં થાંભલાઓ પર ટીંગાતા જોવા મળી રહ્યા છે.
મનપાના એસ્ટેટ વિભાગમાં આ અંગે પૂછપરછ કરતા જણાવાયું કે હાલમાં મહાનગરપાલિકા ખુદ આ ધંધો કરે છે. આ બોર્ડ ટાંગવા-વાળાઓએ મંજુરી માંગી છે અને નિયત કરેલ ભાડું ભરેલું છે.
પણ… બે દિવસ પહેલા જ શહેરમાંથી બસ્સો જેટલા કિયોસ્ક બોર્ડ-હોર્ડીંગ્સ ગેરકાયદેસર, મંજુરી કે ભાડા વગર હોવાનું જણાતા મનપાએ તેને હટાવવાની કામગીરી કરવી પડી હતી. નવાઈની વાત એ છે કે આવા મંજુરી લીધા વગર, મનપાની જાણ બહાર અને કોઈપણ જાતનું ભાડું ભર્યા વગર બોર્ડ ટીંગડાવનારા સામે કોઈ પગલાં લેવાયા નથી. મનપાના વાહનોના પેટ્રોલ-ડીઝલ બાળીને સ્ટાફને કામે લગાડીને આ ટીંગડાવેલ બોર્ડ ઉતારવામાં ખર્ચનો બોજો તો મનપાની તિજોરી પર પડ્યો જ છે અને ઉપરથી ભાડાની આવક પણ થઈ નથી! તો શા માટે આ ગેરકાયદે બોર્ડ ટીંગડાવનારા પાસેથી ભાડું, પેનલ્ટી અને ખર્ચ વસૂલવાની કામગીરી થતી નથી?
જામનગરમાં થાંભલાઓ ઉપર કિયોસ્ક-હોર્ડિંગ્સ ટાંગવામાં નિયમોની ઐેસી તૈસી ?

Recent Comments