જામનગર,તા.ર
એટ્રોસિટીના કાયદામાં સુધારો કરવાના સુપ્રિમ કોર્ટના નિર્ણય સામે વિવિધ દલિત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે આજે જામનગરમાં દલિત સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં અને દુકાનો, શો-રૂમ બંધ કરાવ્યા હતાં. જુના રેલવે સ્ટેશન પાસે ટાયરો સળગાવી ચક્કાજામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાયપાસ અને શહેરમાં અનેક સ્થળોએ પણ ચક્કાજામ કરાયું હતું. શહેરમાં ચાંપતો બંદોસ્ત ગોઠવી દેવાયો છે અને પોલીસ ખડપગે બંદોબસ્ત જાળવી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.
સર્વ પ્રથમ જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે જાહેર રોડ ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કરી દેવામાં આવ્યું હતું. આ સમયે ફાયરબ્રિગેડની ટૂકડી દોડી ગઈ હતી અને પોલીસ બંદોબસ્ત હેઠળ સળગતા ટાયરોની આગને કાબૂમાં લીધી હતી.
આ પછી જિલ્લા પંચાયત સર્કલ, લાલબંગલા સર્કલ, બેડીગેઈટ, જુના રેલવે સ્ટેશન રોડ, રણજીત રોડ, વિકાસગૃહ રોડ, હોસ્પિટલ માર્ગ, એસ.ટી. રોડ, દિગ્વિજય પ્લોટ સહિતના શહેરના અનેક વિસ્તારોમાં દલિત સંગઠનના લોકો રસ્તા ઉપર ઉમટી આવ્યા હતાં અને જય ભીના નારા લગાવી સવારે મલ્લી ગયેલી દુકાનો બંધ કરાવી હતી. તો અનેક સ્થળોએ ચક્કાજામ કર્યા હતાં.
જામનગર શહેરમાં આજે બંધ ૫ળાવવા માટે નીકળેલા ટોળાઓએ કેટલાક સ્થળોએ કાંકરીચાળો કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આજે બપોરે એકાદ વાગ્યે નગરના સુપર માર્કેટ વિસ્તારમાં એક ટોળાએ બે વ્યક્તિઓને તેઓની દુકાન બંધ કરાવવાના મામલે પથ્થરો માર્યાનું ખૂલ્યું છે.
પથ્થરો વાગતા બન્ને વ્યક્તિઓને લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓની ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડયો હતો. ઉપરાંત બારેક વાગ્યે જોલી બંગલા વિસ્તારમાં આવેલી દુકાનો બંધ કરાવવા માટે નીકળેલા ટોળાએ ત્યાં બેએક દુકાનોમાં સામાન્ય તોડફોડ કર્યાનું પણ જાણવા મળી રહ્યું છે.