જામનગર, તા.૧૦
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતું એક વૃદ્ધ દંપતી આજે તેની રહેણાંકની ઓરડીમાંથી મૃત હાલતમાં મળ્યું છે.
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં મોહનભાઈ બેચરભાઈ રાઠોડ નામના ૬૦ વર્ષના એક વૃદ્ધ પોતાના રહેણાંકની ઓરડીમાં ગળા ટૂંપો ખાધેલી હાલતમાં લટકતાં જોવા મળતાં આડોશી-પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા સિટી ‘સી’ ડિવિઝનના સ્ટાફે તે ઓરડીમાં જઈ તપાસ કરતાં મોહનભાઈ પંખાના હુકમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં અને તેમના પત્ની રામીબેન જમીન પર નિષ્પ્રાણ જેવી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે રામીબેનને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. જ્યારે પંખાના હુંકમાં ટીંગાતા મોહનભાઈ પણ મૃત્યુ પામેલા હતા. પોલીસે બંને મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ વયો વૃદ્ધ એવા આ દંપતિ વચ્ચે કોઈ બાબતે કંકાસ થતો હતો. સંભવિત રીતે ગઈકાલે રાત્રે મોહનભાઈએ પોતાની પત્ની રામીબેનને દોરી વડે ગળા ટૂંપો આપી તેણીની હત્યા કર્યા પછી પોતે પણ પંખાના હુંકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે આ દિશા ઉપરાંત અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરી તપાસ શરૂ કરી છે.