જામનગર, તા.૧૮
જામનગરના વુલન મીલ ફાટક પાસે આવેલા સિદ્ધાર્થનગરની શેરી નં.૧માં રહેતા અનિલભાઈ દાદારાવ પાટીલ નામના ચાલીસ વર્ષના મહારાષ્ટ્રીયન યુવાન ગઈકાલે પોતાના સોળ વર્ષના પુત્ર યોગેશ સાથે સ્કૂટર પર જતાં હતા ત્યારે અવારનવાર યોગેશને તે વિસ્તારમાં જ આવેલા બાવરીવાસ નજીક રહેતો કૈલાશ પ્રકાશ કઠોતે ઉર્ફે કલ્લુ નામનો શખ્સ રોકી યોગેશ પાસે રહેલી તેના મજૂરીકામના પૈસા પડાવી લેતો શખ્સ સામો મળ્યો હતો. તેથી ગઈકાલે અનિલભાઈએ આવી દાદાગીરી નહીં કરવા માટે કલ્લુને ઠપકો આપ્યો હતો ત્યારે કલ્લુ ચાલ્યો ગયો હતો તે પછી બપોરે ત્રણેક વાગ્યે આ શખ્સ ઝઘડો કરવા માટે અનિલભાઈના ઘરે પહોંચી ગયો હતો જ્યાં બોલાચાલી શરૂ કરી કલ્લુએ અચાનક જ પોતાની કમરમાં છૂપાવીને રાખેલી છરી બહાર કાઢી તેનો એક ઘા સ્કૂટર ચલાવતા અનિલભાઈને જમણા પડખામાં અને બીજો ઘા હાથમાં ઝીંકયો હતો. જ્યારે ત્રીજો ઘા તેણે અનિલભાઈના પાછળ બેસેલા પુત્ર યોગેશને ડાબા પગમાં ઝીંકી દીધો હતો. પિતાને પડેલા જોઈ સગીર પુત્ર ચીત્કારી ઉઠયો હતો. જ્યારે હુમલાખોર કલ્લુ નાસી છૂટયો હતો. બનાવની પોલીસને જાણ થતા સિટી-સીના પીઆઈ યુ.સી. માર્કન્ડેય દોડયા હતા. તેઓએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકના પત્ની જયશ્રીબેનની ફરિયાદ પરથી કૈલાશ ઉર્ફે કલ્લુ સામે ગુનો નોંધ્યો હતો. આ બનાવની ગંભીરતા નિહાળી એસપી શરદ સિંઘલે આરોપીને પકડી પાડવા સૂચના આપતા કરાયેલી શોધખોળમાં માત્ર ત્રણ કલાકમાં આરોપી પોલીસના સકંજામાં આવી ગયો હતો જેની આગવીઢબે પૂછપરછ કર્યા પછી પોલીસે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. સામાન્ય બાબતે થયેલી આ હત્યાએ આ વિસ્તારમાં ચકચાર પ્રસરાવી છે.