જામનગર, તા.૨૨
જામનગરમાં ધૂળેટી પર્વ નિમિત્તે રંગે રમી નિર્દોષતા પૂર્વક ઉજવણી કરનાર નાગરિકોએ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે ભારે હાશકારો અનુભવ્યો હતો. પોલીસે ઠેર-ઠેર ચેકીંગ રાખી અસામાજિક તત્ત્વોના છેડતી કરવાના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું. જ્યારે અંધાશ્રમ આવાસમાં ધરાર હોળી રમાડવાના મુદ્દે એક મહિલા પર હુમલો થયાની ફરિયાદ થઈ છે.
જામનગરમાં ધૂળેટી પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારથી રંગ રસિયાઓ પોતાના મિત્રગણ તેમજ પ્રિયપાત્રને રંગે રમાડવા માટે નીકળી પડ્યા હતા. ધૂળેટીની નિર્દોષતાથી કરાતી ઉજવણી વચ્ચે કેટલાક અસામાજિક તત્ત્વો રંગે રમવા કે પોતાના અન્ય કામસર બહાર નીકળેલી યુવતીઓ, મહિલાઓ સાથે ગેરવર્તન ન કરે તે બાબતની ખાસ તકેદારી રાખવા માટે પોલીસ સમક્ષ થયેલી રજૂઆત પછી જિલ્લા પોલીસવડા શરદ સિંઘલએ જામનગર શહેરના ત્રણેય ડિવિઝન તેમજ એલસીબી, એસઓજીના જવાનો અને હોમગાર્ડના જવાનોને શહેરના મુખ્યમાર્ગો પર ખાસ વોચ રાખવા તાકીદ કરી હતી. ત્યારપછી નગરના મુખ્યમાર્ગ જેવા કે બેડીગેઈટ, ડીકેવી સર્કલ, તળાવની પાળ, હવાઈ ચોક, એસટી ડેપો વિસ્તાર, વિકાસગૃહ રોડ વગેરે સ્થળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. જેના કારણે એકલી નીકળેલી યુવતીઓ કે પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરવા નીકળેલા શાંતિપ્રિય નાગરિકોએ હાશકારો અનુભવી આનંદ સાથે ઉજવણી કરી હતી.