જામનગર, તા.૯
જામનગરમાં ફાયર બ્રીગેડ શાખાની એનઓસીથી ચાલતા શૈક્ષણિક સંકુલો ઉપર આજે મહાનગરપાલિકાના વિપક્ષી નેતા દ્વારા જનતા રેઈડ પાડવામાં આવી હતી. આ સમયે એક પણ સ્થળે ફાયર સેફટી સુવિધા જોવા મળી ન હતી.
સુરતના ટ્યુશન ક્લાસમાં બનેલી ઘટના પછી સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીના મુદ્દે ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. જામનગરમાં પણ ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, ઈન્ચાર્જ ડીએમસી મુકેશ કુંભારણાની આગેવાનીમાં શહેરમાં વ્યાપક ધોરણે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર સેફટીના સાધનો દ્વારા ધમધમતા શૈક્ષણિક સંકુલ બંધ કરવામાં આવ્યાં હતાં. આ પછી ધડાધડ નોટીસો અપાઈ હતી. લગભગ ૯૮૪ શૈક્ષણિક સંકુલોને નોટીસો આપ્યા પછી અત્યાર સુધીમાં ફક્ત ૪૦ જેટલા સંકુલોના સંચાલકોએ ફાયર વિભાગનું એનઓસી મેળવ્યું હોવાનું આજે વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું હતું.
જામનગરમાં તમામ શૈક્ષણિક સંકુલો ફરી વખત સાધન-સુવિધા વગર ધમધમતા થયા હોવાથી આજે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં જનતા રેઈડ કરવામાં આવી હતી. જેમાં ડીકેવી કોલેજ સેન્ટઆન્સ સ્કૂલ, ગાયત્રી કન્યા વિદ્યાલય અને લોટસ સ્કૂલનો સમાવેશ થાય છે. આ ચારેય સ્થળોએ ફાયર બ્રીગેડ વિભાગનું એનઓસી ન હતું. તેમજ કોઈ સુવિધા પણ ઉપલબ્ધ ન હતી.
ગાયત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા ૧૭૯ બાળકોને એક સાથે નીકળી શકે તેટલી જગ્યાની પણ વ્યવસ્થા જોવા મળી ન હતી. આ પછી તમામ આગેવાનો ચીફ ફાયર બ્રીગેડ ઓફિસર કે.કે. બિશ્નોઈને મળ્યા હતાં અને જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જો કે, આ મુદ્દે રાબેતા મુજબ ખાત્રી આપી દેવામાં આવી હતી.